થાણેથી બોરીવલી પહોંચો 12 મિનિટમાં, આવો છે મોદી સરકારનો માસ્ટર પ્લાન…
મુંબઈ: હાલમાં થાણેથી બોરીવલી જવું હોય તો વાયા ઘોડબંદર રોડ સિવાય બીજો કોઈ સરળ વિકલ્પ નથી, પણ આવનારા સમયમાં બોરીવલીથી થાણે પહોંચવા માટે માત્ર 12 મિનિટનો સમય લાગશે એવું કોઈ કહે તો માનવામાં આવે ખરું? પરંતુ આ હકીકત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો તાજેતરમાં શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત પ્રોજેકટ વિશે જણાવવાનું થાય તો થાણેથી બોરીવલી વચ્ચે ડયુઅલ અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. આ ટનલને પાર કરીને તમે થાણેથી બોરીવલી ઝડપથી પહોંચી શકશો.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં બોરીવલી- થાણે વચ્ચે પ્રવાસ કરવા માટે એક કલાકનો સમય લાગે છે, પરંતુ આ અંડરગ્રાઉન્ડ ટનલને કારણે આ પ્રવાસ 12 મિનિટમાં પૂરો કરી શકાશે.
16,600 કરોડ રૂપિયાની કિંમતનો આ પ્રોજેકટ એક વખત ખુલ્લો મુકાશે એટલે થાણેથી બોરીવલી પ્રવાસ કરનારાઓને રાહત અનુભવાશે. એટલું જ નહીં પણ આ ટનલને કારણે ઘોડબંદર રોડ અને વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પરના ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળશે, એવો અધિકારીઓ દાવો કરી રહ્યા છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ ઈસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી પણ પૂરી પાડશે, જ્યારે હાઈ-વે પરના ટ્રાફિકમાં પણ ઘટાડો થશે. ટવિન ટનલના કામકાજ માટે ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે, એમ એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ કે મહારાષ્ટ્ર જ નહીં પણ દેશનો આ પહેલો સૌથી લાંબો અને મોટો શહેરી ટનલવાળો રસ્તો હશે. આ રોડની કુલ લંબાઈ 11.8 કિમી છે અને એમાંથી 10.25 કિમી રસ્તો તો અંડર ગ્રાઉન્ડ હશે. બંને ટનલમાં બે લેન અને એક ઈમર્જન્સી લેન હશે. જેને કારણે થાણા બોરીવલી વચ્ચેનો પ્રવાસ સિગ્નલ ફ્રી અને સડસડાટ બનશે, જે મે, 2028માં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. આ ટનલના નિર્માણથી દરવર્ષે લગભગ 1.50 લાખ મેટ્રિકટન કાર્બન એમિસનમાં ઘટાડો કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને વિકાસમકામો બાબતે આડે હાથ લેતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક 8 કિલોમીટર જેટલું જ હતું, પરંતુ આજે મેટ્રોનો વિસ્તાર વધ્યો છે અને 80 કિમીના ક્ષેત્રમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવે છે. ટવિટ ટનલના પ્રોજેક્ટ સહિત કૂલ મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના લગભગ 29,000 કરોડ રુપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.