મિડલ ક્લાસને વધુ એક રાહતઃ આરબીઆઈએ રેપો રેટમાં કર્યો ઘટાડો, લોન સસ્તી થશે…
મુંબઈઃ કેન્દ્રીય બજેટમાં ઈન્કમ ટેક્સ મુદ્દે સરકારે રાહત આપ્યા પછી કેન્દ્રીય બેંક આજે નાણાકીય નીતિની સમીક્ષા કરતા રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, જેને કારણે રેપો રેટ 6.25 ટકા થયો છે, જેમાં પાંચ વર્ષ પછી રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી લોનધારકોને રાહત મળશે. ખાસ કરીને મિડલક્લાસના હોમલોનધારકોને લોન સસ્તી થવાથી નાણાકીય બોજમાં રાહત થઈ શકે છે.
ટેક્સમાં કપાત કર્યા પછી મિડલ ક્લાસને રાહત થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ મિડલ ક્લાસને રાહત આપતા રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે પાંચ વર્ષ પછી પહેલી વખત કરવામાં આવ્યો છે. અગાઉ 2020માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ એના પછી ધીમે ધીમે વધારીને 6.5 ટકા કર્યો છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠકમાં ભારતીય અર્થતંત્રના વિકાસદરને લઈ ચર્ચા કરી હતી. મલ્હોત્રાએ કહ્યું હતું કે બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કર્યો છે, જે 6.50 ટકા હતો. રેપો રેટ ઘટાડીને 6.25 ટકા કર્યો છે, જેનાથી હવે લોનધારકના ઈએમઆઈમાં રાહત થશે.
ભારતીય રિઝર્વ બેંક નાણાકીય વર્ષ 2026 માટે દેશનો આર્થિક વિકાસ દર 6.7 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. નાણાકીય વર્ષ 2026 માટે જીડીપી ગ્રોથ 6.75 ટકા, એપ્રિલ-જૂન 2025 ત્રિમાસિકગાળામાં 6.7 ટકા તેમ જ જુલાઈ-સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિકગાળામાં સાત ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી-માર્ચ 2026ના ત્રિમાસિકગાળામાં જીડીપી રેટ અનુક્રમે 6.5 – 6.5 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં 4.8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જ્યારે મોંઘવારી દરમાં પણ ઘટાડો થઈ શકે છે. ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી અને હોલસેલ મોંઘવારી દરમાં ઘટાડો થઈ શકે છે. દરમિયાન આરબીઆઈના ગર્વનરે કહ્યું હતું કે સેકન્ડરી માર્કેટમાં ગર્વન્મેન્ટ સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ કરવા માટે રોકાણકારો સેબી દ્વારા રજિસ્ટર્ડ આરબીઆઈના પ્લેટફોર્મ ઉપયોગ કરી શકે છે.
