આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે મળ્યું વૈશ્વિક સન્માન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસને અમેરિકા સ્થિત ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝિન દ્વારા સતત બીજા વર્ષે વૈશ્વિક સ્તરે ટોચના સેન્ટ્રલ બેંકરનો રેન્ક આપ્યો છે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જાહેરાત કરી છે. સતત બીજા વર્ષે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સમાં એ-પ્લસનું રેટિંગ આપ્યું છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને ત્રણ કેન્દ્રીય બેંકના ગવર્નરની યાદીમાં ટોચનું સ્થાન મળ્યું ે, જેમને એ પ્લસ રેટિંગ આપ્યું છે. ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝિનના અહેવાલ અનુસાર ફુગાવાના નિયંત્રણ, આર્થિક વિકાસનું લક્ષ્ય, નાણાકીય સ્થિરતા અને વ્યાજદરના મેનેજમેન્ટ માટે એથી લઈને એફ સુધી રેટિંગ આપવામાં આવે છે.
ગ્રેડ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામા આવે છે, જ્યારે એફ પૂરી રીતે નિષ્ફળતા માટે આપવામાં આવે છે. ડેન્માર્કના ક્રિશ્ચિયન કેટલ થોમસન, ભારતના શક્તિકાંત દાસ અને સ્વિટર્ઝર્લેન્ડના થોમસ જોર્ડનને કેન્દ્રીય બેંકરની યાદીમાં એ પ્લસની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ એ બેંકર્સને સન્માનિત કરે છે, જેમાં ગ્રેડ પ્રાપ્ત કરનારાની મેનેજમેન્ટની નીતિ, મૌલિકતા, ક્રિયેટિવિટી વગેરે બાબતમાં પોતાના હરીફોને પાછળ રાખે છે, જ્યારે આ નિષ્ણાતોએ પોતાના હથિયાર વ્યાજદરનો ઉપયોગ કર્યો હતો. તેમના દ્વારા ભરવામાં આવેલા પગલાંઓને કારણે દુનિયાભરના દેશોમાં મોંઘવારીના દરમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો હતો.
ગ્લોબલ ફાઈનાન્સ વતીથી 1994થી દર વર્ષે સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાડ, યુરોપિયન યુનિયન, પૂર્વીય કેરેબિયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ સેન્ટ્રલ આફ્રિકન સ્ટેટસ અને સેન્ટ્રલ બેંક ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ સહિત લગભગ 100 દેશ, રિજન, જિલ્લાની કેન્દ્રીય બેંકના ગવર્નરને ગ્રેડ આપવામાં આવે છે. આરબીઆઈના ગવર્નરને મળેલા સન્માન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિકાંત દાસને અભિનંદન પાઠવ્યા છે. સતત બીજી વખત આ સન્માન મળવા બદલ ગૌરવની વાત છે. આરબીઆઈમાં તેમના નેતૃત્વ અને આર્થિક વિકાસ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની દિશામાં તેમના કામને સફળતા મળી છે.
