આ કોના માટે Blood Donor શોધી રહ્યા છે ઉદ્યોગપતિ Ratan Tata?
આ ઉંમરે પણ સતત એક્ટિવ રહેતા અને જનાવરોની મદદ માટે આગળ આવનારા ઉદ્યોગપતિ રતન ટાટા સોશિયલ મીડિયા પર કોઈ માટે બ્લડ ડોનર શોધી રહ્યા છે. એટલું જ નહીં તેમણે આ સંદર્ભની પોસ્ટ પણ ઈન્સ્ટાગ્રામ પર કરી છે. જેમાં તેઓ મુંબઈમાં આવેલી તેમની સ્મોલ એનિમલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં એક શ્વાન માટે બ્લડ ડોનર શોધી રહ્યા છે. તેમણે આ માટેની તમામ જરૂરી માહિતી પોતાની પોસ્ટમાં શેર કરી છે.
ટાટાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે હું તમારી મદદ માટે તમારો આભારી રહીશ. તમારા આ સત્કાર્યની નોંધ લેવામાં આવશે. એનિમલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફને સાત મહિનાના શ્વાન માટે લોહીની જરૂર છે. આ પોસ્ટ શેર કર્યાના બાદથી જ તે વાઈરલ થઈ રહી છે અને અત્યાર સુધીમાં તેને સાત લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને આ આંકડા ઝડપથી વધી રહ્યા છે. આ સાથે સાથે જ ઈન્ટનેટ યુઝર્સ એને ઝડપથી શેર પણ કરી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર અમારી હોસ્પિટલમાં સાત મહિનાના ડોગને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર છે. આ શ્વાનને સંદિગ્ધ ટિક ફીવર અને જીવલેણ એનિમિયાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમને મુંબઈમાં એક ડોનરની ખાસ જરૂર છે.
આ પોસ્ટમાં આગળ રતન ટાટાએ એવું પણ લખ્યું છે કે બ્લડ ડોનેટ કરનારા ડોગને પણ કેટલીક જરૂરિયાત પૂરી કરવી પડશે. તે મેડિકલી સ્વસ્થ હોવો જોઈએ અને એની ઉંમર 1થી 8 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલું જ નહીં આ શ્વાનનું વજન 25 કિલો કે એનાથી વધારે હોવું જોઈએ વગેરે વગેરે.
હાલમાં તો રતન ટાટાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે અને લોકો તેમની દયાભાવના અને પ્રાણીપ્રેમના બે મોઢે વખાણ કરી રહ્યા છે.
