February 21, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

86 વર્ષની વયે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન

Spread the love

મુંબઈ: ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લાં કેટલાય સમયથી તેઓ વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. બે દિવસ પહેલા પણ તેમની હાલત ગંભીર હોઈ તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હોવાના અહેવાલો આવતા ખુદ રતન ટાટાએ ટ્વીટ કરીને તેઓ સ્વસ્થ હોઈ કોઈએ પણ અફવા પર વિશ્વાસ કરવો નહીં એવી અપીલ લોકોને કરી હતી. બુધવારે સાંજે પણ રતન ટાટાની હાલત ગંભીર હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા.
રતન ટાટાના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લાગણી ફરી વળી હતી. સોશિયલ મીડિયા પર તેમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રતન ટાટા જેટલા સફળ ઉદ્યોગપતિ હતા એટલા જ ઉમદા વ્યક્તિત્વના માલિક પણ હતા. તેમના ઉદાર દિલ સ્વભાવનો પરિચય અનેક વખત થઈ ચૂક્યો છે.
રતન ટાટાની માંદગીના સમાચાર સાંભળીને જ તેમના ચાહકો દુઃખી થઈ ગયા હતા. ઉદ્યોગજગતથી લઈને રાજકારણ અને સમાન્ય જનમાનસમાં પણ તેમના સ્વાસ્થ્યને લઈને અટકળો તેજ થઈ ગઈ હતી. લોકોની લાગણીને ધ્યાનમાં લઈને રતન ટાટાએ એક નિવેદન આપીને તેમની ચિંતા કરવા માટે લોકોનો આભાર માનતા તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
વાત કરીએ રતન ટાટાની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટની તો આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે હું મારા તબિયતને લઈને ફેલાયેલી અફવાથી વાકેફ છું અને બધાને જણાવવામાં માંગુ છું કે આ દાવામાં કોઈ સચ્ચાઈ નથી.હું હાલમાં મારી ઉંમર સંબંધિત સમસ્યાને કારણે નોર્મલ ચેકઅપ કરાવી રહ્યો છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રતન ટાટાના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે રતન ટાટા એક દૂરંદેશી ધરાવતા દયાળુ અને અસાધારણ વ્યક્તિ હતા. ભારતીય અર્થ વ્યવસ્થામાં તેમનું યોગદાન હમેશાં યાદ રહેશે. એક ઉમદા સમાજના નિર્માણમાં પણ તેમણે પોતાનો સિંહફાળો આપ્યો હતો.
રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કેન્દ્રિય સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે રતન ટાટાના નિધનથી દુઃખી છું અને તેઓ ઉદ્યોગજગતનું એવું દિગ્ગજ નામ હતું કે જે આપણી અર્થવ્યવસ્થા, વેપારમાં મહત્વના યોગદાન માટે હંમેશાં લોકોની યાદમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!