Birthday Star: પહેલી જ ફિલ્મમાં વિલન બની એવોર્ડ જીતનાર કોમેડી કિંગ કઈ રીતે બન્યો?
બોલીવુડ સ્ટાર રાજપાલ યાદવ ચેક બાઉન્સના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. જેલમાંથી બહાર નીકળ્યા પછી પોતાના જેલઅનુભવો પણ શેર કર્યા હતા. જેલમાં ગયા પછી ઈન્ડસ્ટ્રીના કલાકારોએ તેને ટેકો આપ્યો અને જેલમાંથી બહાર આવ્યો. આજે પંચાવનમો જન્મદિવસ ઉજવનારા રાજપાલ યાદવને ઈન્ડસ્ટ્રીમાં સફળતા કઈ રીતે મળી એ જોઈએ.
રાજપાલ યાદવે અનેક બિગ બજેટની ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. કોમેડિયન તરીકે પણ ટોચના કલાકારોમાં આજે પણ તેનું અચૂક નામ લેવાય છે, પરંતુ કારકિર્દીની શરુઆત તો નાના-મોટા અભિનયથી કરી હતી. પહેલી ફિલ્મ શૂલમાં જોવા મળ્યો. મનોજ બાજપેયીની ફિલ્મમાં નાનો પણ અસરકારક રોલ જોવા મળ્યો હતો. નાની-મોટી ફિલ્મોમાં ગેસ્ટ અપરિયન્સના માફક કામકાજ કર્યું, પણ જંગલ ફિલ્મમાં પ્રોપર કામ મળ્યું અને કેરેક્ટરનું નામ હતું સિપ્પા.
આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં હતો. વિલનનો અભિનય કરનાર રાજપાલ યાદવ કોમેડી પણ કરી શકે એની કોઈને જાણ નહોતી. જંગલ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો, જેમાં રામગોપાલ વર્મા રાજપાલ યાદવની ભૂમિકાથી બહુ ખુશ થયા હતા.
રાજપાલ યાદવે નેગેટિવ અને કોમેડી ફિલ્મમાં અભિનય કરવાની સાથે ગંભીર ફિલ્મમાં પણ કામ કર્યું. મૈં મેરી પત્ની ઔર વો, હેલો હમ લલ્લન બોલ રહે, અપુર્વા, કુશ્તી અને મેં માધુરી દિક્ષીત બનના ચાહતી હું વગેરે ફિલ્મોમાં નેગેટિવ ભૂમિકા પણ કરી હતી, જેમાં તેના અભિનયની પ્રશંસા પણ કરવામાં આવી હતી.
રાજપાલ યાદવની કોમેડી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કરીને તમામ દિગ્ગજ અભિનેતાને જાણે પાછળ ધકેલી દીધા હોય તેની પ્રશંસા કરવામાં આવી. રાજપાલની ઢોલ, ભાગમભાગ, ગરમ મસાલા, ભૂલ ભુલૈયા, માલામાલ વીકલી, ભૂતનાથ, પાર્ટનર, ફિર હેરા ફેરી, ખટ્ટા મીઠા અને મુઝસે શાદી કરોગી વગેરે ફિલ્મોમાં કોમેડિયનની ભૂમિકામાં લોકોનું દિલ જીતી લીધું હતું.
