આ તારીખથી પ્રવાસીઓને વેઈટિંગ ટિકિટની સમસ્યામાંથી મળશે રાહત, રેલવે પ્રધાને કરી મહત્વની જાહેરાત…
નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે અને હવે આટલા મોટા રેલવે નેટવર્કમાં કન્ફર્મ ટિકીટ મેળવવી એ એક પડકાર છે પરંતુ હવે આ સમસ્યા ટૂંક સમયમાં જ ઉકેલાવવા જઈ રહી છે. ખુદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Railway Minister Ashwini Vaishnaw)એ આ બાબતે જાહેરાત કરતાં કહ્યું હતું કે ભારતના વેઈટિંગ લિસ્ટની કડાકૂટ ખતમ થવા જઈ રહી છે. આવો જોઈએ શું કહ્યું રેલવે પ્રધાને-
ભારતમાં તહેવારો, ઉનાળાની રજાઓ અને લગ્નસરાના સમયગાળામાં નાગરિકોને રેલવેમાં કન્ફર્મ ટિકિટ મેળવવા માટે સૌથી વધુ કસરત કરવી પડે છે. દર વર્ષે છઠના તહેવાર દરમિયાન બિહાર જતી ટ્રેનોની હાલત તો સૌથી વધુ ખરાબ હોય છે. પરંતુ હવે કેન્દ્રમાં નવી એનડીએ સરકાર બન્યા બાદ હવે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રવાસીઓને વેઈટિંગ ટિકિટની જંજાળમાંથી છૂટકારો અપાવવા બાબતે મોટું નિવેદન આપ્યું છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વેઈટિંગ ટિકિટની સમસ્યાનો ઉકેલ લાવવા માટે શક્ય એ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વખતે ઉનાળામાં પહેલાની સરખામણીએ દસ ગણી વધુ ટ્રેનો પણ દોડાવવામાં આવી છે, જ્યારે ગયા વર્ષે છઠની ઉજવણીને ધ્યાનમાં લઈને ચાર ગણી વધુ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ સિવાય 2024માં આજે દરરોજ આશરે 14 કિલોમીટરનો નવો ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની સરખામણીએ 2014માં દરરોજ 4 કિલોમીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં 35 હજાર કિલોમીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે.
દેશના લોકોને વેઈટિંગ ટિકિટની સમસ્યામાંથી ક્યારે રાહત મળશે એ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં દરરોજ આશરે 22 હજાર જેટલી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે અને જો દરરોજ ટ્રેનોની સંખ્યામાં ત્રણ હજાર ટ્રેનો વધારવામાં આવે તો ટૂંક સમયમાં જ વેઇટિંગ લિસ્ટની સમસ્યા નાબૂદ થઈ જશે. વર્ષ 2032 સુધીમાં અમે વેઇટિંગ ટિકિટની સમસ્યાઓનો નિવેડો લાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
