…તો આખો ગાંધી પરિવાર સંસદમાં એક સાથે જોવા મળશે!
વાયનાડની બેઠક પરથી Rahul Gandhiએ આપ્યું રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે પેટા ચૂંટણી
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi)એ કેરળની વાયનાડ સીટ પરથી રાજીનામું આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી-૨૦૨૪ (Loksabha Elections-2024)માં રાહુલ ગાંધી વાયનાડની સાથે સાથે રાયબરેલીથી પણ ચૂંટણી લડ્યા હતા અને રાહુલ બંને બેઠકો પરથી જિત્યા હતા.
હવે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પોતાની પાસે રાખી છે અને વાયનાડની બેઠક પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. જેને કારણે હવે પાર્ટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પહેલી જ વખત પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પેટાચૂંટણીમાં વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. જો આ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી જિતશે તો આખો ગાંધી પરિવાર એક સાથે સંસદમાં જોવા મળશે.
અહીંયા તમારી જાણ માટે કે 2019માં રાહુલ ગાંધી પહેલી વખત વાયનાડની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ વિજયનો પરચમ પણ લહેરાવ્યો હતો. ત્યાર બાદ અમેઠી ખાતે રાહુલ ગાંધીને બીજેપી નેતા સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને અમેઠીમાં થયેલા પરાજય બાદ રાહુલ ગાંધી વાયનાડ સીટથી સાંસદ રહ્યા હતા. હવે 2024ની ચૂંટણીમાં રાહુલ ફરી એકવાર બે સીટો પરથી ચૂંટણી લડ્યા હતા અને એમાંથી એક સીટ વાયનાડ અને બીજી બેઠક રાયબરેલી હતી. જોકે, આ વખતે રાહુલ ગાંધીએ બંને બેઠકો પર જિત નોંધાવી હતી અને રાહુલને વાયનાડ કરતા રાયબરેલીમાં મોટી જીત મળી છે.
આ અગાઉ રાયબરેલી બેઠક કોંગ્રેસ પાસે હતી અને સોનિયા ગાંધી અહીંથી એક કરતાં વધુ વખત સાંસદ રહી ચૂક્યા છે. 2024ની ચૂંટણી પહેલા સોનિયા ગાંધીએ ચૂંટણી અને રાજકારણથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું અને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલીની સીટ સોનિયા ગાંધી પાસે રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી પહેલાં પણ રાયબરેલીની બેઠક પર ગાંધી પરિવારનો જ દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.
જો આ વાયનાડ ખાતેની પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી જિતશે તો પહેલી જ વખત સંસદમાં આખો ગાંધી એટલે કે માતા સોનિયા ગાંધી અને તેમના બંને સંતાનો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સાથે સંસદમાં જોવા મળશે.
