પુણેના વર્ષોથી લાપતા પિતાની ભાળ મેળવી આપી CM Eknath Shindeએ અને…
પુણે: ત્રણ વર્ષથી ગુમ મહારાષ્ટ્રના એક વૃદ્ધની ભાળ મળતા તેમના પરિવારને સુખદ આશ્ચર્યનો આંચકો લાગ્યો છે અને એમાં નિમિત્ત બન્યા છે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Because Of Eknath Shinde Family Know Whereabout Of Missing Person). ચાલો જાણીએ શું છે આખી ઘટના અને કઈ રીતે આ શક્ય બન્યું છે એ-
મળી રહેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના પુણેના શિરૂર તાલુકાના વરૂડે ખાતે રહેતા ઘ્યાનેશ્વર વિષ્ણુ તાંબે છેલ્લાં ત્રણ વર્ષથી લાપતા થઈ ગયા છે. તેમનો પરિવાર પણ તેમની ભાળ મેળવવા માટેના તમામ પ્રયાસો કરી ચૂક્યું છે. હવે ત્રણ વર્ષ બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સિનિયર સિટીઝનોને તીર્થયાત્રા કરાવવાની એક જાહેરાતના પોસ્ટરમાં પિતાનો ફોટો જોવા મળતા પુત્ર ભરત તાંબે અને તેમના પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો નથી.
આ વિશે વાત કરતા ભરત તાંબેએ જણાવ્યું હતું કે અમે લોકો છેલ્લાં ત્રણ વર્ષથી પિતાને શોધવા માટેના તમામ પ્રયાસો કરી લીધા છે પણ ક્યાંયથી એમની કોઈ જ ખબર મળી નહોતી. હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની જાહેરાતના પોસ્ટરમાં તેમનો ફોટો જોવા મળતા અમારી ખુશીનો કોઈ પાર નથી રહ્યો.
એટલું જ નહીં પણ ભરત તાંબેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જે રીતે વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા કરાવવાની જાહેરાત કરી છે એ જ રીતે અમને અમારા તીર્થ સ્થળ સમાન પિતાજીના દર્શન પણ કરાવી દે એવી ભાવુક અપીલ કરી છે.
મહારાષ્ટ્રના પુણેથી સામે આવી રહેલી આ ઘટના ખરેખર આશ્ચર્ચકિત કરી નાખે એવી છે, પરંતુ હવે આ ઘટના પર વિશેષ પ્રકાશ તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કે એમની ઓફિસ જ પાડી શકશે. પરંતુ ત્રણ વર્ષ સુધી જેમની કોઈ ભાળ નથી મળી એ પરિવારના વડીલનો ફોટો પોસ્ટર પર જોઈને તાંબે પરિવારની આશા ફરી એક વખત જાગી ઉઠી હશે, એ વાત તો સો ટકા સાચી છે.
