પ્રિન્સિપાલ કે હેવાનઃ બળાત્કારની કોશિશ કર્યા પછી 6 વર્ષની છોકરીની કરી હત્યા
મહારાષ્ટ્રના બદલાપુરની સ્કૂલના ક્લિનરે બે છોકરી સાથે દુષ્કર્મ કર્યાના પછી ગુજરાતની સ્કૂલમાં છ વર્ષની છોકરી સાથે બળાત્કારની કોશિશ પછી હત્યાનો કિસ્સો ચર્ચામાં છે. દાહોદની પ્રાથમિક સ્કૂલમાં બનેલા ગોઝારા બનાવે શિક્ષણતંત્રની ઊંઘ હરામ કરી નાખી છે. દાહોદની પ્રાથમિક સ્કૂલમાં બે દિવસ પહેલા બાળકીનો મૃતદેહ મળ્યો હતો. પહેલા ધોરણમાં વિદ્યાર્થિની ભણતી હતી. તપાસ દરમિયાન પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલને ધરપકડ કરી હતી.
પ્રિન્સિપાલ જ બન્યો નરાધમ
પ્રિન્સિપાલની ધરપકડ પછી જાણવા મળ્યું હતું કે પ્રિન્સિપાલે બાળકી સાથે રેપ કરવાની કોશિશ કરી હતી. બાળકીએ તેનો વિરોધ કર્યો તો તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા પછી પોતાની કારમાં રાખી હતી. ત્યાર બાદ સ્કૂલના પાછળના ભાગમાં મૃતદેહ ફેંકી દીધો હતો. શંકાના દાયરામાં આવ્યા પછી પ્રિન્સિપાલની પૂછપરછ કરી હતી. બહાનાબાજી કર્યા પછી બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
સ્કૂલની પાછળથી મળ્યો મૃતદેહ
આ બનાવ દાહોદના સિંગવાડ તોરાની પ્રાઈમરી સ્કૂલની છે, જ્યાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા પ્રિન્સિપાલનું નામ ગોવિંદ નટ તરીકે ઓળખ કરવામાં આવી છે. બાળકી સિંગવાડ તાલુકાના પિપલિયા ગામની રહેવાસી છે. રોજના માફક બાળકી સ્કૂલ ગઈ હતી, પરંતુ સ્કૂલ સમય પછી પણ ઘરે પહોંચી નહોતી. તપાસ કરતી વખતે પરિવારના લોકો સ્કૂલમાં પહોંચ્યા હતા. સ્કૂલમાં તાળું લાગ્યું હોવાથી આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ સ્કૂલના પાછળના ભાગમાં બેભાન હાલતમાં મળી હતી. બેભાન હાલતમાં જોવા મળ્યા પછી તેને હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
હેવાને ગળું દબાવીને કરી નાખી હત્યા
આ બનાવ પછી ઘરના લોકોને આઘાત લાગ્યો હતો. સમગ્ર બનાવ મુદ્દે પોલીસ કેસ નોંધવામાં આવ્યા પછી ઉચ્ચ પોલીસ અધિકારીની આગેવાનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્કૂલના પ્રિન્સિપાલની શોધ માટે દસ ટીમ બનાવી હતી. પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી, ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જાણવા મળ્યું હતું કે ગળું દબાવીને મોત થયું હોવાની વાતને સમર્થન મળ્યું હતું. આ કેસમાં પ્રિન્સિપાલની સામે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.