Prime Minister Narendra Modiએ બ્રુનેઈની ઐતિહાસિક મસ્જિદની મુલાકાત લીધી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) હાલમાં બ્રુનેઈની મુલાકાતે છે અને તેમણે ગઈકાલે એટલે કે મંગળવારે બ્રુનેઈ ખાતે આવેલી પ્રખ્યાત ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. આ મસ્જિદ વર્તમાન સુલતાન હસનલ બોલ્કિયાના પિતા દ્વારા બનાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રુનેઈમાં આવેલી ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત વિશે પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.
આ મુલાકાત દરમિયાન બ્રુનેઈના ધાર્મિક બાબતોના પ્રધાન પેહિન દાતો ઉસ્તાજ અવંગ બદરુદ્દીને વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું અને પીએમ મોદીને મસ્જિદના ઈતિહાસને દર્શાવતો વીડિયો પણ દેખાડવામાં આવ્યો હતો. આ દરમિયાન દેશના હેલ્થ મિનિસ્ટર મોહમ્મદ ઈશામ પણ હાજર હતા.
મસ્જિદનું નામ બ્રુનેઈના 28મા સુલતાન (હાલના સુલતાનના પિતા) ઓમર અલી સૈફુદ્દીન ત્રીજાના નામ પરથી રાખવામાં આવ્યું છે અને એનું નિર્માણ કાર્ય 1958માં પૂર્ણ થયું હતું. વડા પ્રધાનના સ્વાગત માટે બ્રુનેઈના ભારતીય સમુદાયના લોકો પણ હાજર હતા. હાલમાં લગભગ 14,000 ભારતીયો બ્રુનેઈમાં રહે છે.
Telah berkunjung ke Masjid Omar Ali Saifuddien di Brunei. pic.twitter.com/93PqqWWndB
— Narendra Modi (@narendramodi) September 3, 2024
;
વડા પ્રધાન મોદી તેમની બે દેશોની મુલાકાતના પહેલા તબક્કામાં બ્રુનેઈ પહોંચી ગયા છે. દ્વિપક્ષીય મુલાકાતે દેશની મુલાકાત લેનારા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ઓક્ટોબર, 2013માં 11મી એશિયન-ભારત સમિટમાં ભાગ લેવા માટે બ્રુનેઈ ગયા હતા.
વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બ્રુનેઈ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. બંને દેશો મૈત્રીપૂર્ણ સંબંધોનો આનંદ માણે છે, જે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર પરસ્પર આદર અને સમજણ પર આધારિત છે. બંને વચ્ચે હજારો વર્ષોના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પરંપરાગત સંબંધો છે.