મહાકુંભમાં ‘મહાજામ’: રાષ્ટ્રપતિએ દ્રોપદી મુર્મુએ સંગમમાં લગાવી ડૂબકી
ભીડને કારણે અનેક લગ્નો રદ્દ, દુનિયાનો સૌથી મોટો લાગ્યો ટ્રાફિક જામ, સ્ટેશન બંધ
પ્રયાગરાજઃ અહીંયા આયોજિત સદીના મહાકુંભમાં નિરંતર શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે ભીડને લઈ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સંગમ ખાતે સ્નાન કર્યું હતું. ત્રિવેણી સંગમ ખાતે ત્રણ ડૂબકી લગાવી હતી ત્યારબાદ તેમણે ગંગા પૂજા અને આરતી પણ કરી હતી. ત્યારે રાજ્યનાં રાજ્યપાલ આનંદબેન પટેલ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
જોકે, પ્રયાગરાજની બોર્ડરના વિસ્તારમાંથી લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે, જ્યારે સ્ટેશનને 14 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજની ફરતે ભયંકર ટ્રાફિક જામ લાગ્યો હોવાથી આસપાસના વિસ્તારોના લગ્નો રદ્દ કરવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. આજે મહાકુંભનો 29મો દિવસ છે, જ્યાં અત્યાર સુધીમાં 43 કરોડ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે, જ્યારે બારમી જાન્યુઆરીના રેકોર્ડ તૂટી શકે છે.
મેલ-એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ નહીં મળતા હવે લોકો પોતાના અંગત વાહનોને લઈને પ્રયાગરાજ જવા નીકળી પડ્યા છે. વધતા ટ્રાફિકને લઈને શહેરમાં ભયંકર જામ લાગ્યો છે. હાઈ-વે જ નહીં, પરંતુ શેરીઓમાંથી નીકળતા લોકોને 10 મિનિટનો રસ્તો ક્રોસ કરતા બે-ત્રણ કલાક પસાર કરવા પડી રહ્યા છે. રવિવારે પણ લોકોને ભયંકર ટ્રાફિકનો સામનો કરવાની નોબત આવી હતી. માઘ પૂર્ણિમા નિમિત્તે હજુ લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કહેવાય છે કે દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ લાગ્યો છે. લગભગ 200થી 300 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર ટ્રાફિક જામને કારણે શ્રદ્ધાળુઓને ખાવાપીવામાં ભારે હાલાકી પડી રહી છે. દિવસો સુધી ચાલ્યા પછી પ્રયાગરાજ પહોંચવાનું મુશ્કેલ બન્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જાણો ક્યાં ક્યાં લાગ્યો છે ‘મહાજામ’
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બંને રાજ્યોના નેશનલ હાઈવે પર જોરદાર ટ્રાફિક જામનું નિર્માણ થયું છે. મધ્ય પ્રદેશમાં નેશનલ હાઈ-વે 30 વાહનોને રોકવામાં આવ્યા છે, જ્યારે રીવા-ચોકઘાટ બોર્ડર પર ભીષણ જામ લાગ્યો છે. લખનઊથી પ્રયાગરાજ 1.5 લાખ, રીવાથી પ્રયાગરાજ 1.5 લાખ, વારાણસીથી પ્રયાગરાજ 50,000 અને કૌશામ્બીથી પ્રયાગરાજ 20,000 વાહન ફસાયા છે.
દિલ્હીથી પ્રયાગરાજ જવાના લાગે છે 30 કલાક
દિલ્હીથી પ્રયાગરાજ બાય કાર જવાના સામાન્ય રીતે 12 કલાક લાગે છે, પરંતુ હાલમાં 30 કલાકનો સમય લાગે છે. એટલે પૂરા અઢી દિવસ. એમપીના સતનાથી પ્રયાગરાજના પાંચ કલાકનો સમય લાગે છે, પરંતુ હાલમાં પંદર કલાક લાગે છે. બીજી બાજુ પટણાથી પ્રયાગરાજ જવાના આઠ કલાકનો સમય લાગી રહ્યો છે, પરંતુ હાલમાં 17 કલાકનો સમય લાગે છે. સૌથી નજીકની વાત કરીએ તો વારાણસીથી પ્રયાગરાજ માટે ત્રણ કલાક લાગે છે, પરંતુ હાલમાં દસ કલાક લાગે છે. બીજી બાજુ રાયપુરથી પ્રયાગરાજ માટે 13 કલાકને બદલે 22 કલાકનો સમય લાગે છે.