મણિપુર, બિહાર અને કેરળ સહિત પાંચ રાજ્યને મળ્યા નવા રાજ્યપાલ
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી પછી મહત્ત્વના રાજ્ય મહારાષ્ટ્ર અને હરિયાણામાં નવી સરકારના ગઠન પછી આજે સરકારે એકાએક પાંચ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના ગવર્નર તરીકે નિમણૂક કરી છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસનું રાજીનામું મંજૂર કર્યું છે અને ડો. હરિબાબુ કંભમપતિને રાજ્યના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.
ઓડિશાના રાજ્યપાલનું રાજીનામું કર્યું મંજૂર
ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે એની સાથે અન્ય રાજ્યના રાજ્યપાલ તરીકે નવી નિમણૂક કરી છે, જે તાત્કાલિક ધોરણથી અમલી બનશે. અશાંતિગ્રસ્ત રાજ્ય મણિપુરના નવા રાજ્યપાલ તરીકે પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની નિમણૂક કરી છે, જ્યારે મિઝોરમના રાજ્યપાલ તરીકે ડો. હરિબાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે. એના સિવાય કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને હવે બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે, જ્યારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ બનાવ્યા છે. બીજી બાજુ મિઝોરમના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિમણૂક કરી છે. જનરલ ડોક્ટર વિજયકુમાર સિંહ પીવીએસએમ, એવીએસએમ, વાઈએસએમને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.
વીકે સિંહને મિઝોરમના બનાવ્યા રાજ્યપાલ
સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે સેનાના પૂર્વ પ્રમુખ જનરલ વીકે સિંહને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મિઝોરમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે. આ અગાઉ તેઓ ગાઝિયાબાદના સાંસદ હતા. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય પ્રધાન (રોડ અને એવિયેશનના રાજ્યમંત્રી) હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન પણ તેમને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું
કોણ છે અજય ભલ્લા?
વીકે સિંહની સાથે સાથે પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે. તેઓ મેઘાલય કેડરથી 1984 બેચના આર્મીના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. 22 ઓગસ્ટ, 2024 સુધી તેઓ લગભગ પાંચ વર્ષ સુધી ભારતના ગૃહ સચિવ તરીકે કામ કર્યું હતું. તેઓ જલંધરના રહેવાસી છે.