બાંગ્લાદેશમાં સંકટઃ જલપાઈગુડી સીમા પર હજારો લોકોનો ઘૂસણખોરીનો પ્રયાસ, બીએસએફે અટકાવ્યાં, અમુકને ઘરે મોકલ્યા
બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ઊભું થયા પછી ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી થઈ શકે છે. આ સંભાવનાઓને કારણે ભારત સરકારે મણીપુર, પશ્ચિમ બંગાળ સહિત મેઘાલય સીમા રેખા પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ને તહેનાત કરવામાં આવી છે, જ્યારે અમુક સરહદી શહેરો-ગામમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી સીમા પરથી એક હજારથી વધુ બાંગ્લાદેશી હિંદુઓ પહોંચ્યા છે. બોર્ડર પાર કરીને ભારતમાં પ્રવેશવા માગે છે. જોકે, ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસમાં બીએસએફે રોક્યા છે. સતકુરા સીમા પર બીએસએફે સેંકડો લોકોને રોક્યા છે, જ્યારે આ બાવ જલપાઈગડુડી જિલ્લાના દક્ષિણ બેરુબારી પંચાયતનો છે.
બુધવારે બપોરે એક હજારથી વધુ બાંગ્લાદેશી લોકો સરહદ પર ધસી આવ્યા હતા, જેમાં મોટા ભાગના લોકો હિંદુઓ છે. તમામ લોકોએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળ્યા પછી બીએસએફ દ્વારા ઘૂસણખોરીની પ્રક્રિયાને રોકવામાં આવી હતી. અનેક લોકો ભારતમાં પ્રવેશવા માટે આતુર છે.
સીમા પર બાંગ્લાદેશી હિંદુઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમના ઘર અને મંદિરો બાળવામાં આવી રહ્યા છે, તેથી ભારતમાં શરણ લેવા ઈચ્છે છે, જ્યારે બીજી બાજુ ભારતીય લોકોનું કહેવું છે કે જો આ લોકો ભારતમાં પ્રવેશશે તો મુશ્કેલી નિર્માણ થઈ શકે છે. બોર્ડર પર બાંગ્લાદેશીઓના ધસારાને કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક સુરક્ષા પ્રશાસનને સતર્ક કરવામાં આવ્યું હતું.
રિપોર્ટસ પ્રમાણે દેશના 27 જિલ્લામાં લઘુમત્તીઓની હાલત કફોડી છે, જેમાં સૌથી વધુ ખરાબ હાલત મહિલાઓની છે, એમ લોકોએ જણાવ્યું હતું. દરમિયાન બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે લગભગ 35 નાગરિકોને સીમા રેખા પરથી સમજાવીને તેમના ઘરે પાછા મોકલવામાં આવ્યા હતા. બોર્ડર પર વધુ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે.
દરમિયાન મિઝોરમના લોન્ગતલાઈ જિલ્લામાં બાંગ્લાદેશ અને મ્યાનમાર નજીકની ભારતીય સીમા રેખા પર ઘૂસણખોરીની શંકા છે. મિઝોરમના લોંગતલાઈ, મમિત અને લુંગલેઈમાં 318 કિલોમીટર સુધી ભારતીય સીમા રેખા છે, જ્યાં પોલીસને સતર્ક કરવામાં આવી છે.
