જો ટ્રેનના દરવાજે ઊભા રહીને મુસાફરી કરતા હો તો વાંચી લેજો મુંબઈનો આ કેસ…
ચોરનો પીછો કરવાનું ભારે પડ્યું પોલીસના જવાનને, ને મોત મળ્યું
ભારતીય રેલવેમાં મુંબઈ સબર્બન રેલવેનું વ્યસ્ત અને મોટું નેટવર્ક છે. પ્રવાસીઓની સંખ્યાની દૃષ્ટિએ પણ મોટું છે, પરંતુ અહીંના ગુનાના કિસ્સા ચોંકાવનારા જ નહીં ફિલ્મી ઢબના બની જાય છે. તાજેતરમાં મોબાઈલ ચોરનારી ગેંગે પોલીસ કોન્સ્ટેબલને મોતને ઘાટ ઉતારવાના કિસ્સાએ મુંબઈ રેલવે જ નહીં, સિટી પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી.
આ બનાવ 28મી એપ્રિલના બની હતી. એક ચોરી કરનારી ગેંગે માટુંગા રેલવે સ્ટેશન નજીક ઝેરી ઈન્જેક્શન પોલીસના જવાનને મારી દીધું હતું, ત્યાર બાદ સારવાર દરમિયાન કોન્સ્ટેબલનું પહેલી મેના મોત થયું હતું. 72 કલાક સુધી જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરતા 30 વર્ષના કોન્સ્ટેબલ વિશાલ પવારનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું.
આ મુદ્દે દાદર જીઆરપીએ કેસ નોંધ્યો હતો એ વિગત અનુસાર વિશાલ થાણે રહેતો હતો. 28મી એપ્રિલના સ્લો લોકલ મારફત ટ્રેનથી થાણેથી વરલી પોતાની ઓફિસ જતો હતો. લોકલ ટ્રેનના દરવાજે હતો ત્યારે માટુંગા અને સાયન સ્ટેશનની વચ્ચે કોઈ હાથ પર ફટકો માર્યો હતો, તેથી મોબાઈલ લોકલ ટ્રેનની બહાર ટ્રેક પર પડ્યો હતો.
ફટકો માર્યો એ વખતે લોકલ ટ્રેનની સ્પીડ બહુ સ્લો હતી, તેથી વિશાલે રિસ્ક લઈને ફટકો મારનારાનો પીછો કર્યો હતો. ફટકો મારનારનો પીછો કરવા માટે ટ્રેક પર દોડ્યો હતો. જોકે, સિવિલ ડ્રેસમાં હોવાને કારણે એ ગેંગને સામાન્ય વ્યક્તિ સમજીને ઘેરી લીધી, જેમાં લગભગ અડધો ડઝનથી વધુ લોકો સામેલ હતા. એ જ વખતે એક શખસે તો કોન્સ્ટેબલના મોંઢા પર લાલ રંગનું દ્વવ્ય ફેંક્યું હતું, જ્યારે એક વ્યક્તિએ તો એને ઝેરી ઈન્જેક્શન ભોંકી દીધું હતું, ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો.
આ બનાવ પછી લગભગ 12 કલાકે તેને ભાન આવ્યું તો જેમ તેમ કરીને કોપરી સ્થિત હોસ્પિટલ પહોંચ્યો હતો. સુઝેલા ચહેરા અને અડધા બેભાનાવસ્થામાં રહેલા કોન્સ્ટેબલને જોઈને પરિવાર ચોંકી ઉઠ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બે-ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર ચાલ્યા પછી તેનું મોત થયું હતું.
ઝેરી ઈન્જેક્શનના કારણે વિશાલનું મોત થયું હોવાનું પ્રાથમિક અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું. વિશાલ લોકલ આર્મ્સ ડિવિઝન-થ્રી સાથે સર્વિસમાં હતો, જ્યારે તે થાણેમાં રહેતો હતો. 2015માં વિશાલની પોલીસ વિભાગમાં નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે ત્રણ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા.