Modi Visit US: મોદી યુ આર ગ્રેટ, ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને આપી સ્પેશિયલ ગિફ્ટ
વોશિંગ્ટનઃ ફ્રાન્સ પછી અમેરિકા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય મૂળના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વખતે મોદીને ટ્ર્મ્પે એક વિશેષ બુક ભેટ આપી હતી. ઓવર જર્ની ટુગેધર ગિફ્ટ આપી હતી, જેમાં ટ્રમ્પના હસ્તાક્ષર અને મેસેજ લખ્યો હતો કે મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર તમે મહાન છો.
વડા પ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત વખતે મીડિયા સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતને દુનિયાના સૌથી ખતરનાક ફાઈટર જેટ્સમાંથી એક એફ35 આપવામાં આવશે. આ ઉપરાંત, ભારતને અમે એફ35 સ્ટેલ્થ ફાઈટર જેટ આપવાનો માર્ગ પણ મોકળો કર્યો છે. આ જ વર્ષે ભારતને અમે અબજ ડોલરના હથિયાર આપવામાં આવશે. ભારત સાથે અમેરિકાના સોદાથી રશિયાને દૂર રાખવાની હિલચાલ હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. 2018માં ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી.
ઓવર જર્ની ટુગેધર પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે, જ્યારે ટ્રમ્પ સ્ટોરમાં તેનો ભાવ 100 ડોલર રાખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં કિમ જોગ-ઉન, શી જિનપિંગ અને વ્લાદિમીર પુટિન સહિત ગ્લોબલ લીડર સાથેની બેઠકોનો ઉલ્લેખ છે, જ્યારે 2020માં ભારતની મુલાકાતનો પણ ઉલ્લેખ છે. 2020માં ટ્રમ્પે ભારતની વિઝિટ વખતે તાજમહેલની મુલાકાત કરી હતી.
વૈશ્વિક સ્તરે બંને નેતા એકબીજાનું જાહેરમાં સમર્થન કરે છે. હાઉડી મોદી રેલી 2019માં હ્યુસ્ટનના ફૂટબોલ સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી, જ્યાં 50,000થી વધુ ભારતીય અને અમેરિકન સામેલ થયા હતા. એ વખતના કાર્યક્રમમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંનેએ ભાષણ આપ્યા હતા. એના પછી અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2020માં નમસ્તે ટ્રમ્પનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે ફ્રાન્સ અને અમેરિકાની ટૂંકી મુલાકાત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત આવવા માટે રવાના થયા છે. અમેરિકાની મુલાકાતમાં વડા પ્રધાન મોદીએ અમેરિકન પ્રમુખ સાથે ટેકનોલોજી, સુરક્ષા, ઊર્જા સહિત અન્ય સેક્ટર મુદ્દે દ્વિપક્ષીય ચર્ચા કરવામાં આવી છે. બુધવારે પીએમ મોદી ફ્રાન્સથી અમેરિકા પહોંચ્યા હતા. ગયા મહિના દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથગ્રહણ કર્યા હતા.