March 18, 2026
ગુજરાત

PM-RAHAT યોજના: મહેસાણામાં ગુજરાતનો પ્રથમ સફળ કેશલેસ ક્લેમ મંજૂર

Spread the love


કડીના યુવાનને મળી ₹47,300ની વિનામૂલ્યે સારવાર; અકસ્માત સમયે વરદાન સાબિત થતી નવી યોજના


મહેસાણા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય તથા નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા નાગરિકોને ત્વરિત અને વિનામૂલ્યે સારવાર મળી રહે તે હેતુથી અમલમાં મૂકવામાં આવેલી “PM-RAHAT (Prime Minister Road Accident Victim Hospitalization and Assured Treatment)” યોજના અંતર્ગત ગુજરાત રાજ્યનો પ્રથમ સફળ ક્લેમ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે.

આ યોજના હેઠળ કડી તાલુકાના ગોઠીયા ગામના ૩૫ વર્ષીય યુવાન અમરતભાઈ લબાભાઈને માર્ગ અકસ્માતમાં ઈજા થતા યોજનાનો લાભ આપી ઓર્થોપેડિક સર્જરી કરવામાં આવી હતી. આ સારવારનો અંદાજે રૂ. ૪૭,૩૦૦/- જેટલો ખર્ચ સંપૂર્ણપણે કેશલેસ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો, જેના પરિણામે દર્દીના પરિવાર પર કોઈ આર્થિક ભાર પડ્યો નથી અને સફળ સારવાર બાદ તેઓ હાલ સ્વસ્થ થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના PMJAY-MA ઇકોસિસ્ટમ સાથે સંકલિત કરવામાં આવી છે, જેમાં માર્ગ અકસ્માત બાદ પ્રથમ ૭ દિવસ સુધી અથવા વધુમાં વધુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુધીની કેશલેસ સારવાર સંલગ્ન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવે છે. આ સુવિધામાં મુખ્યત્વે ટ્રોમા, સર્જિકલ અને પોલીટ્રોમા જેવી ગંભીર ઇજાઓની સારવારનો સમાવેશ થાય છે.

આ યોજના માત્ર ભારતીય નાગરિકો જ નહીં, પરંતુ ભારતની મુલાકાતે આવેલા વિદેશી નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલોમાં ક્લેમની પ્રક્રિયા NHA ના TMS પોર્ટલ મારફતે ઓનલાઈન કરવામાં આવે છે, જે MoRTH ના eDAR એપ્લિકેશન સાથે સંકલિત હોવાથી પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક રહે છે.

જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીનના માર્ગદર્શન તેમ જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આયોજન હેઠળ મહેસાણા જિલ્લામાં આ યોજનાનો અસરકારક પ્રારંભ થયો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, માર્ગ અકસ્માત જેવી દુર્ઘટના સમયે સમય ગુમાવ્યા વગર નજીકની સંલગ્ન હોસ્પિટલનો સંપર્ક કરી “PM-RAHAT” યોજના હેઠળ તાત્કાલિક સારવાર મેળવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!