February 20, 2026
ઈન્ટરનેશનલ

નેપાળમાં પ્રચંડની સરકારનું પતનઃ ગઠબંધનના પ્રધાનોએ રાજીનામા આપતા રાજકીય સંકટ

Spread the love

કાઠમંડુઃ ભારતમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધનમાં ત્રીજી વખત સરકાર બનાવી છે. ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળ્યા પછી પણ નરેન્દ્ર મોદીએ સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવી છે ત્યારે પડોશી દેશ નેપાળમાં ગઠબંધનની સરકારના પતનના સમાચાર જાણવા મળ્યા છે. નેપાળમાં વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની સરકારના પ્રધાનોએ મોટી સંખ્યામાં રાજીનામા આપતા સત્તાધારી સરકાર માટે રાજકીય સંકટ ઊભું થયું છે. હવે નેપાળની કોંગ્રેસ અને સીપીએન-યુએમએલના નેતા દોઢ-દોઢ વર્ષ સત્તા સંભાળશે.

બે દિવસ સુધી ચાલેલા રાજકીય ડ્રામા પછી પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વ હેઠળની સરકાર પડી ગઈ. ગઠબંધનના પ્રધાનોએ સામૂહિક રીતે રાજીનામું આપીને સરકારને આપેલું સમર્થન પાછું લીધું છે. નેપાળની કોંગ્રેસ અને સીપીએ યુએએમએલ તરફથી મંગળવારે આપેલા 24 કલાકની સમયમર્યાદા પૂરી થયા પછી દહલના નેતૃત્વ હેઠળની મુખ્ય સહયોગી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ-યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (સીપીએન-યુએમએલ) સરકારમાંથી બહાર થઈ ગઈ છે.

આ અગાઉ પાર્ટીએ વડા પ્રધાન દહલને વડા પ્રધાનપદેથી હટવા માટે એક દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ વર્ષે ચોથી માર્ચે ગઠિત દહલની કેબિનેટમાં સામેલ સીપીએન-યુએમએલના આઠ પ્રધાનોએ વડા પ્રધાનના નિવાસસ્થાને બુધવારે રાજીનામું આપ્યું હતું.

અહીં એ જણાવવાનું કે યુએમએલ અને નેપાળની કોંગ્રેસે સોમવારે રાતે નવી સરકાર બનાવવા માટે સહમતિ જતાવી હતી. ઓલી દોઢ વર્ષ સુધી નવી રાષ્ટ્રીય આમ સહમતિ સરકારનું નેતૃત્વ કરશે. બાકી કાર્યકાળ માટે નેપાળના પૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબા વડા પ્રધાન બનશે.

ઉલ્લેખનીય છે કે નેપાળની સંસદની સૌથી મોટી પાર્ટી નેપાળની કોંગ્રેસ પાસે 89 સીટ છે, જ્યારે સીપીએન-યુએમએલ પાસે 78 સીટ છે. આમ બંને પાર્ટીની સંયુક્ત સીટ 167 સાથે થાય છે. જે 275 સભ્યની એસેમ્બલીમાં 138 સીટના બહુમત માટે પર્યાપ્ત છે. અહીં એ પણ તમારી જાણ માટે જણાવી દઈએ કે છેલ્લા 16 વર્ષમાં 13 સરકાર બની છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!