PM નરેન્દ્ર મોદીએ ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર દેશને અર્પણ કર્યા
હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું
પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશરે રૂ. 130 કરોડનાં ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર દેશને અર્પણ કર્યા. નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન (એનએસએમ) હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા આ સુપર કમ્પ્યુટર્સને પુણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત, પીએમ મોદીએ હવામાન અને આબોહવામાં સંશોધન માટે તૈયાર થયેલી હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) સિસ્ટમનું પણ ઉદઘાટન કર્યું હતું.
રુદ્ર સુપર કમ્પ્યુટર બનશે મદદરુપ
આ પ્રસંગે સંબોધન પીએમ મોદીએ કહ્યું કે હાલમાં ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે તથા આ સંશોધન અને વિકાસને પ્રાથમિકતા રાષ્ટ્રની પ્રગતિનું પ્રતિબિંબ છે. આજનું ભારત શક્યતાઓની અનંત ક્ષિતિજમાં નવી તકોનું નિર્માણ કરી રહ્યું છે. ભારતનાં વૈજ્ઞાનિકો દ્વારા ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટરનાં વિકાસ અને દિલ્હી, પુણે અને કોલકાતામાં તેની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો તથા હવામાન અને આબોહવાનાં સંશોધન માટે તૈયાર થયેલી હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) સિસ્ટમ ‘અર્કા’ અને ‘અરુણિકા’નાં ઉદઘાટન વિશે પણ વાત કરી હતી.
સંશોધનને સહાય કરવા મદદરુપ બનશે
ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર્સ દેશના યુવાનોને સમર્પિત કર્યા હતા, કારણ કે તેમણે ત્રીજી ટર્મની શરૂઆતમાં યુવાનો માટે 100 દિવસ ઉપરાંત 25 દિવસનો વધારાનો સમય આપવાની વાત પણ યાદ કરી હતી. આ સુપર કમ્પ્યુટર્સ દેશમાં યુવા વૈજ્ઞાનિકોને આ પ્રકારની અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તથા ભૌતિકશાસ્ત્ર, પૃથ્વી વિજ્ઞાન અને બ્રહ્માંડવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં અત્યાધુનિક સંશોધનને સહાય કરવા માટે આ સુપર કમ્પ્યુટર્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ભારતના વિકાસનો પાયો ઉદ્યોગ 4.0માં સમાવિષ્ટ
ડિજિટલ ક્રાંતિનાં યુગમાં કમ્પ્યુટિંગ ક્ષમતા રાષ્ટ્રીય ક્ષમતાનો પર્યાય બની રહી છે. સંશોધન, આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રની સામૂહિક ક્ષમતા, આપત્તિ વ્યવસ્થાપન, જીવનની સરળતા, વેપાર-વાણિજ્ય કરવાની સરળતા વગેરેમાં તકો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અને કમ્પ્યુટિંગ ક્ષમતાઓ પર સીધું અવલંબન નોંધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનાં ઉદ્યોગો ભારતનાં વિકાસનો પાયો ઉદ્યોગ 4.0માં સામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો હિસ્સો બિટ્સ અને બાઇટ સુધી મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ ટેરાબાઇટ્સ અને પેટાબાઇટ્સ સુધી વિસ્તૃત થવો જોઈએ.
નવીનતાથી દેશને સશક્ત બનાવાશે
આજનું ભારત માત્ર બાકીની દુનિયાની ક્ષમતાઓ સાથે મેળ ખાઈને સંતુષ્ટ ન રહી શકે, પણ વૈજ્ઞાનિક સંશોધન મારફતે માનવતાની સેવા કરવાની પોતાની જવાબદારી સમજે છે. ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા ઐતિહાસિક અભિયાનો પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, “ભારતનો મંત્ર સંશોધન, સ્વનિર્ભરતા માટે વિજ્ઞાન મારફતે સ્વનિર્ભરતા (આત્મનિર્ભરતા) છે.” તેમણે ભારતની ભાવિ પેઢીઓમાં વૈજ્ઞાનિક અભિગમને મજબૂત કરવા શાળાઓમાં 10,000થી વધારે અટલ ટિંકરિંગ લેબની રચના, સ્ટેમ વિષયોમાં શિક્ષણ માટે શિષ્યવૃત્તિમાં વધારો અને આ વર્ષના બજેટમાં રૂ. 1 લાખ કરોડના સંશોધન ભંડોળનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતને 21મી સદીની દુનિયાને તેની નવીનતાઓ દ્વારા સશક્ત બનાવવાનાં ઉદ્દેશ પર પીએમ મોદીએ ભાર મૂક્યો હતો.
