Indian Deport From US: PM Modi અમેરિકા જશે, ટ્રમ્પને આ તારીખે મળી શકે…
નવી દિલ્હીઃ અમેરિકામાં ગેરકાયદે ઈમિગ્રન્ટસ વિરુદ્ધ કડક કાર્યવાહીના અહેવાલોની વચ્ચે ભારત અને અમેરિકા બંને દેશના નેતાઓ વચ્ચે બેઠક થવાની સંભાવના છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિપદે શપથ લીધા પછી તેમના આક્રમક વલણને લઈ ચોમેર ટીકાઓની વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ જ મહિનામાં અમેરિકાની મુલાકાતે જવાની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી મુલાકાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પછી ટ્રમ્પ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. જો કે હવે બંન્ને રાષ્ટ્રના નેતાઓની મુલાકાતને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે, જેમાં બારમી તારીખના પીએમ મોદી અમેરિકાના પાટનગર પહોંચશે. એના બીજા દિવસ દરમિયાન બંને નેતાની મુલાકાત થઈ શકે છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી મોદીની આ પહેલી મુલાકાત હશે.
બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંંબંધો મુદ્દે ચર્ચા થશે
બિનસત્તાવાર અહેવાલ પ્રમાણે નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે અને બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અને સંરક્ષણ અને ટેકનોલોજી સહયોગ પર ચર્ચાઓ વચ્ચે આ બેઠક થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, નોન-ઈમિગ્રન્ટસ અને એચવન બી વિઝા મુદ્દો પણ બંને દેશ માટે મહત્ત્વનો છે. આ અગાઉ વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ ઈમિગ્રન્ટસના મુદ્દે બંને દેશ કાયદાનું પાલન કરશે એવી પણ જાહેરાત કરી હતી, તેથી આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે.
નવેમ્બરમાં ટ્રમ્પ ચૂંટણી જીત્યા અને 20 જાન્યુઆરીના શપથ
મોદી ફ્રાન્સની ટૂર પૂરી કર્યા પછી બારમી ફેબ્રુઆરીના અમેરિકા પહોંચશે. અમેરિકામાં સાંજે વોશિંગ્ટન ડીસી પહોંચશે તેવી આશા છે. બેથી ત્રણ દિવસના ટૂંકા પ્રવાસમાં અમેરિકાના કોર્પોરેટ અગ્રણીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે.
અહીં એ જણાવવાનું કે નવેમ્બરમાં ચૂંટણી જીત્યા પછી 20મી જાન્યુઆરીના ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની આ પહેલી મુલાકાત બની શકે છે.
18,000 ભારતીય પર તોળાતું સંકટ
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના હજુ એક મહિનો પૂરો થયો નથી અને નો-ઈમિગ્રન્ટસથી લઈ ટેરિફ નીતિને લઈ ચર્ચામાં છે ત્યારે અમેરિકામાં વસતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ભારત મોકલવાની કામગીરી ચાલુ કરી છે. કહેવાય છે કે આર્મી (સી-17 વિમાન)નું એક વિમાન ગેરકાયદે ભારતીયને લઈ ભારત રવાના થયું છે. ટ્રમ્પે 15 લાખ ગેરકાયદે લોકોને અમેરિકામાંથી કાઢી નાખવાની જાહેરાત કરી છે, જેમાં 18,000 જેટલા ભારતીયનો સમાવેશ થાય છે.