July 1, 2025
મહારાષ્ટ્ર

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અઠવાડિયામાં બીજી વાર મહારાષ્ટ્રની મુલાકાતે

Spread the love

76,000 કરોડના પોર્ટનો શિલાન્યાસ કરશે
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એકસાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી શકાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. સપ્તાહમાં સતત બીજી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મહત્ત્વના પ્રકલ્પ પર ભાર મૂકી રહ્યા છે ત્યારે આજે પાલઘરમાં 76,000 કરોડ રુપિયાના ખર્ચના વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કરશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે રૂ. 76,000 કરોડ છે, જ્યારે તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વકક્ષાનું દરિયાઇ પ્રવેશદ્વાર સ્થાપિત કરવાનો છે, જે મોટા કન્ટેનર જહાજોને પૂરી પાડીને, ઊંડા ડ્રાફ્ટ ઓફર કરીને અને અલ્ટ્રા-લાર્જ કાર્ગો જહાજોને સમાવીને દેશના વેપારને પ્રોત્સાહનનો ઉદ્દેશ છે.
પોર્ટ ઈન્ટરનેશનલ શિપિંગ રુટ્સને જોડશે
પાલઘર જિલ્લામાં દહાણુ શહેરની નજીક આવેલું વાઢવણ બંદર ભારતનાં સૌથી મોટાં ઊંડાં પાણીનાં બંદરોમાંનું એક હશે અને તે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ્સને સીધું જોડાણ પ્રદાન કરશે, જેનાથી પરિવહનનાં સમય અને ખર્ચમાં ઘટાડો થશે. અત્યાધુનિક ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓથી સજ્જ આ બંદરમાં ડીપ બર્થ, કાર્યક્ષમ કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને આધુનિક પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ થશે. આ બંદર રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે, સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપશે અને આ ક્ષેત્રના સંપૂર્ણ આર્થિક વિકાસમાં પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
મત્સ્યપાલન પ્રોજેક્ટનું ઉદ્ધાટન-શિલાન્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં આજે આશરે રૂ. 1,560 કરોડનાં મૂલ્યનાં 218 મત્સ્યપાલન પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે, જેનો ઉદ્દેશ દેશભરમાં આ ક્ષેત્રનાં માળખાગત સુવિધા અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલથી મત્સ્યપાલન ક્ષેત્રમાં પાંચ લાખથી વધારે રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આશરે રૂ. 360 કરોડનાં ખર્ચે જહાજ સંચાર અને સહાયક વ્યવસ્થાનાં રાષ્ટ્રીય રોલ આઉટનો શુભારંભ કરશે.
આ ઉપરાંત, વડા પ્રધાન મત્સ્યપાલનનાં બંદરોનો વિકાસ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ, ફિશ લેન્ડિંગ સેન્ટર્સ અને માછલી બજારનાં નિર્માણ સહિત મત્સ્ય સંબંધિત માળખાગત સુવિધાઓની મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.
મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલને સંબોધશે
પીએમ મોદી ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024નાં વિશેષ સત્રને સંબોધન કરશે. જીઇએફનું આયોજન પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ફિનટેક કન્વર્ઝન કાઉન્સિલ દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું છે. ભારત અને અન્ય વિવિધ દેશોના નીતિ ઘડવૈયાઓ, નિયમનકારો, વરિષ્ઠ બેન્કરો, ઉદ્યોગના અગ્રણીઓ અને શિક્ષણવિદો સહિત આશરે 800 વક્તાઓ આ પરિષદમાં 350થી વધુ સત્રોને સંબોધિત કરશે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જળગાંવમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે વિવિધ યોજનાઓનો શુભારંભ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!