મહારાષ્ટ્રને મળી નવા પોર્ટની ભેટ, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા અંગે પીએમ મોદીએ શા માટે માફી માગી?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજકીય હિલચાલમાં વધારો થયો છે, જેમાં ગણતરીના દિવસોમાં મહારાષ્ટ્રમાં અનેક પ્રકલ્પોની કામગીરીમાં તેજી જોવા મળી છે, જ્યારે હજુ આગામી દિવસોમાં વધુ રોજગાર અને પ્રજાલક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે ત્યારે શનિવારે પીએમ મોદીના હસ્તે મહત્વાકાંક્ષી વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મોદીનો કોંગ્રેસ સહિત મહાવિકાસ આઘાડીના પક્ષોએ વિરોધ પ્રદર્શનનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, જ્યારે મોદીએ સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે માફી માગીને વિરોધીઓને જવાબ આપ્યો.
76,000 કરોડના ખર્ચે તૈયાર થશે પોર્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં પાલઘરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. સૌથી મોટી યોજનાઓમાં આશરે 76,000 કરોડ રૂપિયાના ખર્ચે વાઢવણ બંદરનો શિલાન્યાસ અને આશરે 1560 કરોડ રૂપિયાના 218 મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ સામેલ છે. મોદીએ આશરે રૂ. 360 કરોડનાં ખર્ચે વેસલ કમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમનાં નેશનલ રોલઆઉટનો શુભારંભ કરાવ્યો હતો. મત્સ્યપાલનનાં બંદરોનો વિકાસ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ, મત્સ્ય ઉતરાણ કેન્દ્રો અને મત્સ્ય બજારનાં નિર્માણ સહિત મત્સ્ય સંબંધિત માળખાગત સુવિધાઓની મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે માછીમાર લાભાર્થીઓને ટ્રાન્સપોન્ડર સેટ અને કિસાન ક્રેડિટ કાર્ડ એનાયત કર્યા હતા.
શિવાજી મહારાજ અને તમામ સમર્થકોની માફી
પોતાના સંબોધનની શરૂઆત પીએમ મોદીએ સંત સેનાજી મહારાજની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. મોદીએ દિલથી વાત કરી હતી અને વર્ષ 2013માં તેમને પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા તે સમયને યાદ કર્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ સમક્ષ પ્રાર્થના કરવા માટે રાયગઢ કિલ્લાની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને એ જ ‘ભક્તિભાવ’નું વરદાન મળ્યું છે, જેનાથી તેઓ પોતાના ગુરુનું પૂજન કરે છે અને રાષ્ટ્રની સેવા માટે નવી યાત્રા કરે છે. સિંધુદુર્ગની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું હતું કે શિવાજી મહારાજ માત્ર એક નામ, આદરણીય રાજા કે મહાન વ્યક્તિત્વ જ નથી, પણ એક ભગવાન છે. તેમણે શિવાજી મહારાજની પૂજા કરનારા બધાની માફી પણ માંગી હતી.
દુનિયામાં વાઢવણ પોર્ટ મહત્ત્વનું બંદર બનશે
રાજ્ય અને દેશની વિકાસ યાત્રામાં આ દિવસને ઐતિહાસિક ગણાવતા મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારે છેલ્લાં 10 વર્ષમાં મહારાષ્ટ્રનાં વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે, કારણ કે વિક્સિત મહારાષ્ટ્ર એ વિકસિત ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. મહારાષ્ટ્રના ઐતિહાસિક દરિયાઈ વેપારનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય પાસે દરિયાકિનારાની નિકટતાને કારણે વૃદ્ધિની સંભવિતતા અને સંસાધનો છે, જે ભવિષ્ય માટે પુષ્કળ સંભાવનાઓ ધરાવે છે. વાઢવણ પોર્ટ દેશનું સૌથી મોટું કન્ટેનર બંદર હશે અને તેની ગણતરી વિશ્વના ઊંડા પાણીના બંદરોમાં કરવામાં આવશે. તે મહારાષ્ટ્ર અને ભારત માટે વેપાર અને ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર બનશે. વડા પ્રધાને મહારાષ્ટ્રનાં પાલઘરનાં લોકોને અને સમગ્ર દેશનાં લોકોને વઢવાણ પોર્ટ પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યાં હતાં.
60 વર્ષથી વાઢવણ પોર્ટને અટકાવવામાં આવ્યું
સરકારે તાજેતરમાં દિઘી બંદર ઔદ્યોગિક વિસ્તારને વિકસાવવા માટે લીધેલા નિર્ણયને યાદ કરીને કહ્યું હતું કે આ મહારાષ્ટ્રનાં લોકો માટે બમણી ખુશીનો પ્રસંગ છે. છત્રપતિ શિવાજી મહારાજના સામ્રાજ્યની રાજધાની રાયગઢમાં ઔદ્યોગિક વિસ્તારનો વિકાસ કરાશે. દિઘી પોર્ટ મહારાષ્ટ્રની ઓળખ બનશે અને છત્રપતિ શિવાજી મહારાજનાં સ્વપ્નોનું પ્રતીક બનશે. લગભગ 60 વર્ષથી વાઢવાણ પોર્ટ પ્રોજેક્ટને અટકાવવા માટે અગાઉની સરકારે કરેલા પ્રયાસો પર નારાજગી વ્યક્ત કરતા મોદીએ કહ્યું હતું કે ભારતને દરિયાઈ વેપાર માટે નવા અને આધુનિક બંદરની જરૂર છે, પણ આ દિશામાં કામ વર્ષ 2016 સુધી શરૂ થયું નહોતું. દેવેન્દ્ર ફડણવીસ સત્તા પર આવ્યા બાદ જ આ પ્રોજેક્ટને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને 2020 સુધીમાં પાલઘરમાં બંદર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સરકારમાં ફેરફારને કારણે આ પ્રોજેક્ટ ફરીથી 2.5 વર્ષ માટે અટકી ગયો હતો. એકલા વાઢવણ પ્રોજેક્ટમાં જ કેટલાંક લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનો અંદાજ છે અને અહીં આશરે 12 લાખ રોજગારીની તકો ઊભી થશે.