સાણંદમાં ₹ 22,516 કરોડના ખર્ચે માઇક્રોન પ્લાન્ટનો પ્રારંભ: સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત હબ બનશે
૨૧મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે: પીએમ નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક હાર્ડવેર લીડર ગણાવ્યું

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ ખાતે માઇક્રોન સેમિકંડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવતાં કહ્યું કે ૨૦મી સદીનુ રેગ્યુલેટર ઓઇલ હતું, જ્યારે 21મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે. તેમણે કહ્યું કે આ એઆઈ રિવોલ્યુશનની સદી છે. સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઊભરી રહ્યું છે. આશરે ₹22,516 કરોડના આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે દેશના ‘સેમિકન્ડક્ટર હબ’ તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરશે.
PM Modiએ સાણંદથી સેમિકંડક્ટર ક્ષેત્રે થયેલા ભારતના ભાવિ ઉદયનો રોડમેપ દર્શાવતાં કહ્યું કે સૉફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે. આ પ્રસંગે મોદીએ સમગ્ર વિશ્વને વિશ્વાસ અપાવતાં કહ્યું કે ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયેબલ ઍન્ડ ઇન્ડિયા ડિલિવર્સ. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય માહિતી-પ્રસારણ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનએ માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટની કામગીરી અને અન્ય વિગતો દર્શાવતાં પ્રદર્શનને નિહાળ્યું હતું તથા પ્લાન્ટની મુલાકાત લઈને સેમિકન્ડક્ટર ચિપના એસેમ્બલી અને પેકેજિંગના વિવિધ ઑપરેશન્સ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન ફેસિલિટી દ્વારા આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી અને સફળ AI સમિટ બાદ આજે આપણે ટેકનોલોજી લીડરશીપ ક્ષેત્રે ભારતની કટિબદ્ધતાના એક ઐતિહાસિક પડાવના સાક્ષી બન્યા છીએ. 10-11 વર્ષ પહેલાં સુધી ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા માત્ર મર્યાદિત વર્તુળોમાં જ થતી હતી અને ટેકનોલોજીના નામે આપણે માત્ર આઈટી સર્વિસીસ પૂરતા સીમિત હતા, પરંતુ આજે સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે.
પીએમ મોદીએ પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા નોંધ્યું કે, જૂન-2023માં આ સુવિધા માટે MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના તેજ વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે. સેમિકન્ડક્ટરને ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન અને AI રિવોલ્યુશનને જોડતો સૌથી મોટો સેતુ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે ભારત હવે આ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, કોવિડના મુશ્કેલ સમયમાં વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 10 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.
ભારતના વધતા જતા માર્કેટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારતની માંગ સતત વધી રહી છે, તેથી ‘મેક ઇન ઇન્ડિયા’ હવે ફુલ સ્વિંગમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા 11 વર્ષોમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન અને તેની નિકાસમાં અનેકગણો વધારો થયો છે. ભારત હવે કોમ્પોનન્ટથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધી બધું જ દેશમાં બનાવવા માટે સજ્જ છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ઘરેલું બજાર અને વૈશ્વિક તકો બંને પૂરી પાડે છે.
સાણંદ સાથેના અંગત સંસ્મરણો વાગોળતા વડાપ્રધાનએ કહ્યું કે સાણંદ તો એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. તેમણે યાદ કર્યું કે કેવી રીતે એક સમયે તેઓ અહીં સાયકલ પર ફરતા હતા અને એક રૂપિયાના એસએમએસ (SMS)થી અહીં રતન ટાટાના પ્લાન્ટ સાથે ઓટોમોબાઈલ ક્રાંતિની શરૂઆત થઈ હતી. આજે તે જ સાણંદ ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે. વડાપ્રધાનએ અહીં કામ કરવા આવતા દેશ-વિદેશના ટેકનિશિયનોને ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર તેમને શ્રેષ્ઠ જીવનશૈલી અને સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ કમી રાખશે નહીં. પર્યાવરણ અને ટેકનોલોજીના સમન્વય વિશે વાત કરતા તેમણે માઇક્રોનના પ્લાન્ટની પ્રશંસા કરી હતી.
