December 20, 2025
ગુજરાતટોપ ન્યુઝ

બેચરાજીના હાંસલપુરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ ઇલેક્ટ્રિક વાહનોની વિશ્વમાં નિકાસ શરૂ

Spread the love

PM મોદીએ મારુતિ-સુઝુકીના પ્લાન્ટમાં પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલને લીલી ઝંડી આપી, કહ્યું – રોકાણ ભલે કોઈનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીય નાગરિકનો જોઈએ.

મહેસાણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેચરાજીના હાંસલપુર ખાતે મારુતિ-સુઝુકીના પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ અને લિથિયમ આયન બેટરીના ઉત્પાદનના શુભારંભ પ્રસંગે ભારત અને જાપાનની મિત્રતાને ‘મેઇડ ફોર ઈચ અધર’ ગણાવતાં કહ્યું કે હવેથી દુનિયાના એકસોથી વધુ દેશોમાં ફરતાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર ‘મેઇડ ઇન ઇન્ડિયા’ લખ્યું હશે. ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપીને ‘સ્વદેશી’ની વ્યાખ્યા કરતાં કહ્યું કે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો કોઈ પણ ભારતીય નાગરિકનો હોય અને તે વધુ વસ્તુ ભારતની ભૂમિ પર બનીને તૈયાર થઈ હોય, તે આપણા માટે સ્વદેશી જ છે. હાંસલપુર પ્લાન્ટ ખાતે મારુતિ સુઝુકીની ઈલેક્ટ્રિક એસયુવીનું ઉત્પાદન શરુ કર્યું હતું, જે જાપાન, યુરોપ સહિત વિશ્વના 100થી વધુ દેશમાં નિકાસ કરવામાં આવશે.

ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ બનશે
સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતાં અને ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ભારતના ઉદભવને રેખાંકિત કરતાં, બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ‘e VITARA’ને લીલી ઝંડી આપી હતી. TDSG લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જાને વેગ આપશે અને કુલ ઉત્પાદનના એંશી ટકા બેટરીનું ઉત્પાદન ભારતમાં થશે તે સુનિશ્ચિત કરશે.

ભારતના ઈ વાહનોની 100 દેશોમાં નિકાસ થશે
ભારતની મેક ઇન ઇન્ડિયાની યાત્રામાં નવો અધ્યાય ઉમેરાઈ છે. ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના આપણા લક્ષ્યની દિશામાં આ એક મોટી છલાંગ છે. આજથી ભારતમાં બનેલાં ઈલેક્ટ્રિક વાહનોની 100 જેટલા દેશોમાં નિકાસ થશે અને આજથી શરૂ થતાં હાઇબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના ઉત્પાદનને પણ ભારત અને જાપાની મિત્રતાને નવો આયામ આપનારું બનશે.

વિઝનને મારુતિ-સુઝુકી કંપની આગળ ધપાવે છે
આશરે તેર વર્ષ પહેલાં ગુજરાતમાં સુઝુકીના હાંસલપુર પ્લાન્ટનો પાયો નંખાયો હતો, એ દૃષ્ટિએ મારુતિ-સુઝુકીના આ પ્લાન્ટની ઉંમરનું આ તેરમું વર્ષ છે, તે એક દૃષ્ટિએ ટીનએજનો પણ પ્રારંભ છે. આ ઉંમર પાંખો ફેલાવવાનો અને સપનાઓના ઊડાનની શરૂઆતનો કાલખંડ હોય છે. ત્યારે આગામી સમયમાં મારુતિનો આ પ્લાન્ટ નવા ઉમંગ અને ઉત્સાહથી પાંખો ફેલાવશે અને આગળ વધશે તેવો વિશ્વાસ મોદીએ વ્યક્ત કર્યો હતો. 2012માં તેમના મુખ્યમંત્રીકાળમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે મારુતિ સુઝુકીને જમીન આપીને વિકાસના બીજ રોપ્યાં હતાં. આ વિઝન અને વિશ્વાસને મારુતિ-સુઝુકી કંપની આગળ ધપાવી રહી છે.

મારુતિ મેક ઈન ઈન્ડિયાની બની બ્રાન્ડ એમ્બેસેડર
મારુતિ-સુઝુકી ભારતમાં બનેલી ગાડીઓને જાપાન સહિત અન્ય દેશોમાં એક્સ્પોર્ટ કરે છે. તે જાપાન અને ભારતનો એકબીજા પ્રત્યેનો ભરોસો દર્શાવે છે. મારુતિ-સુઝુકી આજે મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે. આજથી ઈવી એક્સ્પોર્ટને પણ એ જ સ્તરે લઈ જવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે મારુતિ-સુઝુકી જેવી કંપનીઓ ભારતની મોટી કાર એક્સપોર્ટર છે. એટલું જ નહીં, આજથી દુનિયાના દેશોમાં ચાલતી મારુતિ-સુઝુકી કંપનીની ઈવીમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ લખેલું હશે. તે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.

કોઈ પણ ઈવીમાં તેની બેટરી અત્યંત મહત્ત્વની હોય છે. થોડાં વર્ષો પહેલાં ભારતમાં પણ બેટરીની આયાત કરવામાં આવતી હતી, પણ ઈવી મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે ભારતમાં બેટરી બને તે અત્યંત જરૂરી હતી. એટલા માટે 2017માં જાપાનની તોશિબા, ડેન્ઝો અને સુઝુકી કંપનીઓ દ્વારા ગુજરાતમાં ટીડીએસજી બેટરી પ્લાન્ટનો પાયો નખાયો. જેમાં ત્રણ કંપનીઓ સાથે મળીને બેટરી બનાવે છે અને ઈલેક્ટ્રોડ પણ ભારતમાં જ બને છે તેથી ભારતની આત્મનિર્ભરતાને નવું બળ મળે છે.

11,000 કરોડની યોજનામાં ઈ-એમ્બ્યુલન્સની જોગવાઈ
આ એમ્બ્યુલન્સ પીએમ-ઈડ્રાઇવ સ્કીમમાં એકદમ ફિટ છે. આશરે 11 હજાર કરોડ રૂપિયાની આ યોજનામાં ઈ-એમ્બ્યુલન્સ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. ક્લિન એનર્જી અને ક્લિન મોબિલિટી આપણું ભવિષ્ય છે. હાઈબ્રિડ ઈવીથી પ્રદૂષણ ઘટશે અને આવા પ્રયાસોથી જ ભારત ખૂબ ઝડપથી વિશ્વાસપ્રદ ડેસ્ટિનેશન બનશે. ભારતે છેલ્લા દસકામાં જે નીતિઓ બનાવી, તે દેશના ઉદ્યોગોના વિકાસમાં ખૂબ કારગત નીવડી રહી છે. વર્ષ-2014માં જ્યારે તેમને વડા પ્રધાન તરીકે દેશસેવાનો અવસર મળ્યો ત્યારથી ‘મેક ઇન ઇન્ડિયા’નો કન્સેપ્ટ શરૂ કરી, લોકલ અને ગ્લોબલ ઉત્પાદકોને અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું. આ માટે તમામ ક્ષેત્રે અનુકૂળતો બનાવાઈ રહી છે. જેમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, લોજિસ્ટિક પાર્ક સહિત અનેક ક્ષેત્રે ઉત્પાદકોને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવનો પણ લાભ અપાઈ રહ્યો છે. આ માટે અનેક રિફોર્મ્સ કરીને જૂની અડચણો દૂર કરવામાં આવી છે.

ડિફેન્સ પ્રોડક્શનમાં પણ 200 ટકાથી વધુની વૃદ્ધિ
આ નીતિઓના લાભ વિશે જણાવતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે સરકારની આ હકારાત્મક નીતિઓના કારણે ઈલેક્ટ્રોનિક્સનું પ્રોડક્શન આશરે 500 ટકા વધ્યું છે, જ્યારે મોબાઇલ ફોનનું ઉત્પાદન 2014ની સરખામણીએ 2700 ટકા સુધી વધ્યું છે. આ જ પ્રકારે, ડિફેન્સ પ્રોડક્શનમાં પણ 200 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે. કેન્દ્ર સરકારની આવી જ નીતિઓ દરેક રાજ્યને મોટિવેટ કરે છે અને તંદુરસ્ત હરિફાઈ શરૂ થઈ છે. જેનો લાભ આખા દેશને મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!