June 30, 2025
ગુજરાત

હમ સાથ સાથ હૈઃ જીવનભર માતાપિતા સાથે રહ્યા અને મૃત્યુ પછી પણ…

Spread the love

DNA Test: સિવિલમાં ૯૮મું સેમ્પલ પિતાનું નીકળ્યા પછી 99મું સેમ્પલ માતાનું નીકળ્યું, દીકરા પણ આઘાતમાં

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ગોઝારી દુર્ઘટનામાં ભારતીય અને વિદેશી નાગરિકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા. આ હૃદયદ્રાવક ઘટનામાં મૂળ ગુજરાતી અને 1978થી બ્રિટનમાં સ્થાયી થયેલા પટેલ દંપતી અશોકભાઈ અને શોભનાબેન પટેલ મોતને ભેટ્યાં હતા. પણ આ દુર્ઘટનામાં એક એવું દંપતીનું નીકળ્યું હતું, જે જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ કરી શક્યું નહોતું.

અમદાવાદમાં પ્લેન ક્રેશ પછી સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી અશોકભાઈના દીકરા મિતેન પટેલને લંડનથી અમદાવાદ બોલાવવામાં આવ્યા. મિતેન તેમના ભાઈ હેમેન સાથે અમદાવાદ પહોંચ્યા અને ડીએનએ સેમ્પલ આપ્યા.

હોસ્પિટલે જણાવ્યું કે રિપોર્ટ 72 કલાકમાં આવશે, પરંતુ ફાધર્સ ડેના દિવસે જ મિતેનને સમાચાર મળ્યા કે તેમના પિતા અશોકભાઈના મૃતદેહ સાથે ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે. આ સમાચાર મિતેન માટે એક લાગણીશીલ ક્ષણ હતી, જેમાં દુઃખની સાથે પિતાના મૃતદેહની ઓળખ થવાનો સંતોષ પણ હતો.

મિતેન અને હેમેન પિતાના મૃતદેહ લેવાની જરૂરી પ્રક્રિયા પૂરી કરીને લંડન પરત ફરવાની તૈયારીમાં હતા, પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન હજુ અકબંધ હતો – “મમ્મીનો મૃતદેહ ક્યારે મળશે?” ડીએનએ સેમ્પલ મેચ થવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગે છે, તેથી તેઓએ હાલ પિતાનો મૃતદેહ લઈને પરત ફરવાનું નક્કી કર્યું. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું.

સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાં કુલ 98 ડીએનએ સેમ્પલ મેચ થયા તેની વિગતો બોર્ડ પર લખેલી જોઈ હતી, જેમાં છેલ્લું ૯૮મુ અશોકભાઈનું સેમ્પલ હતું. જ્યારે બંને ભાઈઓ મૃતદેહ લઈને નીકળવાની તૈયારીમાં હતા, ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો. તેમને જણાવવામાં આવ્યું કે 99મું સેમ્પલ, જે મેચ થયું છે અને તે તેમના માતા શોભનાબેનનું હતું.

આ બંને ભાઈઓ તરત કંટ્રોલ રૂમ પહોંચ્યા અને બુલેટિન બોર્ડ પર પોતાની માતાનું નામ જોઈ આંખોમાં આંસુ સાથે હૈયું ભરાઈ ગયું. જોકે, આ એક આશ્ચર્યજનક સંયોગ એ હતો કે 98 અને 99મા ક્રમે મેચ થયેલા સેમ્પલ એક જ પતિ-પત્નીના હતા, જે જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ પછી પણ એકબીજાની નજીક જ રહ્યા.

આ ઘટનાએ મિતેન અને હેમેનના હૃદયને ઊંડો આઘાત આપ્યો, પરંતુ સાથે જ તેમને એક કુદરતી કરિશ્માનો અનુભવ થયો. તેમના માતા-પિતા જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, મૃત્યુ પછી પણ વિજ્ઞાનની પ્રક્રિયામાં એકબીજાની બાજુમાં જ રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!