December 20, 2025
ગુજરાતટોપ ન્યુઝ

પાવાગઢ ખાતે જૈન તીર્થંકર ભગવાનની મૂર્તિ ખંડિત કરાતાં જૈનોમાં રોષ, અગ્રણીઓએ ચેતવણી આપતાં કહ્યું કે…

Spread the love

પાવાગઢ: ગુજરાતના પાવાગઢ ખાતે જૈન તીર્થંકર ભગવાનની પ્રતિમા ખંડિત કરવાને કારણે જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જોકે, પ્રતિમાની પુન:સ્થાપના કરવાની જૈન સમાજની માંગ સંતોષવામાં આવી છે. તેમ છતાં પણ જો જૈન સમાજની અન્ય માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો જૈનોનો વિરોધ યથાવત રહેશે એવી માહિતી જૈન અગ્રણીઓ દ્વારા આપવામાં આવી છે.

જૈનો દ્વારા જમીનનો કબજો લેવા સહિતની અન્ય માંગને લઈને પણ આંદોલન યથાવત રાખવાની માહિતી પણ જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.


આ ઉપરાંત આવતીકાલે પણ જૈન સમાજના અગ્રણીઓની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં જ આંદોલનને લઈને આગળની રૂપરેખા નક્કી કરવામાં આવશે, એવી માહિતી મળી રહી છે. આ ઉપરાંત આ મામલે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવાની માંગણી પણ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે જૈન તીર્થંકર ભગવાનની મૂર્તિ ખંડિત થવા મામલે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં જૈન સમાજે રેલી યોજી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વાસુપૂજ્ય જૈન દેરાસરથી કલેક્ટર કચેરી સુધી જૈન સમાજે રેલી યોજીને મૂર્તિને ખંડિત કરનારાઓ સંબંધિત લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

બીજી બાજુ નવસારી ખાતે પણ જૈન સમાજમાં પણ આ મામલે રોષની લાગણી જોવા મળી રહી છે. જૈન સમાજના લોકોએ નવસારી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં આવેદનપત્ર સ્વીકાર્યા વગર જ અધિકારી નીકળી જતાં જૈન શ્રાવક શ્રાવિકાઓ રોષે ભરાયા હતા અને તેમણે જ્યાં સુધી અધિકારી દ્વારા આવદેનપત્ર ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરીએ ધરણા ધરવાનો નિર્ણય લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાલિતાણા ખાતે આવેલા જૈન મંદિરમાં તોડફોડનો મામલો માંડ માંડ થાળે પડ્યો હતો ત્યાં હવે પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજ લાલઘૂમ થયો હતો. જોકે આખરે મૂર્તિઓને ફરી સ્થાપિત કરવાની માગ સ્વીકારાતા વિવાદનો અંત આવ્યો હોવાના દાવા કરાઈ રહ્યાં છે. જોકે બીજી તરફ હજુ પણ ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દે રાજ્યના ગૃહ ખાતાના પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. સંઘવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિમાઓ ઐતિહાસિક છે,આ પ્રતિમા સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ટ્રસ્ટ કે કોઇ પણને આ મૂર્તિ તોડવાની મંજૂરી ન જ હોય શકે. વધુમાં કહ્યું કે, આ મૂર્તિને હટાવવાની કોઇ પરવાનગી આપવામાં જ ન આવે અને જે કોઇ દ્વારા આ પ્રતિમા તોડવામાં આવી છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!