શેરબજારમાં હાહાકારઃ સેન્સેક્સ-નિફ્ટીના શેરોમાં સુનામી, ભારત પણ મંદીના હવાલે?
મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન શેરબજારમાં ધોવાણ રહ્યા પછી અઠવાડિયાના પહેલા દિવસે સ્ટોકમાર્કેટમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. ખૂલતા માર્કેટમાં સેન્સેક્સમાં 1,300 પોઈન્ટ અને નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. સવારે 9.20 વાગ્યે પ્રીઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 79,603 પોઈન્ટે ખૂલ્યો હતો નિફ્ટી ઈન્ડેક્સ પણ 24,304 પોઈન્ટે ઓપન થયો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના 30 શેર આધારિત સેન્સેક્સ 80,981 પોઈન્ટના મથાળે બંધ હતો, પરંતુ ઘટીને છેક 78,580 પોઈન્ટના મથાળે પહોંચ્યો હતો. અગાઉના અઠવાડિયાથી તળિયાના મથાળે પહોંચતા માર્કેટમાં એક તબક્કે 2,400 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો, જેમાં ઈન્ડેક્સના મોટા ભાગના શેર રેડ લાઈનમાં જોવા મળ્યા હતા.
અમેરિકામાં મંદી અને ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણને લઈ આ વર્ષમાં સૌથી મોટા ગાબડા સાથે માર્કેટમાં ધોવાણ થયું હતું. સેન્સેક્સમાં 2,400 અને નિફ્ટીમાં 414 પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું, જેમાં સૌથી વધુ જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સમાં 100 ટકા ધોવાણ થયું છે. ટેક મહિન્દ્રામાં સાત ટકા અને ઈન્ફોસીસ, અદાણી પોર્ટસમાં છ ટકાનું ધોવાણ થયું હતું.
ઓટોમોબાઈલના સેક્ટરમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો, જેમાં ટાટા મોટર્સ, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ધોવાણ થયું હતું. ઈન્ડેક્સમાં ફક્ત સન ફાર્મા, હિંદુસ્તાન યુનિલીવર, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ પ્લસમાં રહ્યા હતા, જ્યારે ઈન્ડેક્સના હેવીવેઈટ શેરમાં રિલાયન્સ, અદાણી પોર્ટસ, એલએન્ડટી સહિત અન્ય શેરમાં જોરદાર વેચાવલી રહેતા ઘટાડો નોંધાયો હતો. એના સિવાય ટાઈટનના શેરમાં નવ ટકાનું સૌથી મોટું ગાબડું પડ્યું હતું. એના પછી શેરના ભાવમાં થોડું કરેક્શન આવ્યું હતું, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સમાં સુનામી જોવા મળી હતી, જેમાં ઘટાડો નોંધાતા 24,000 પોઈન્ટના ઊંચા ઈન્ડેક્સથી ઘટાડો નોંધાયો હતો.
ગયા અઠવાડિયા દરમિયાન શુક્રવારે પણ અમેરિકામાં મંદીના હેવાલે અમેરિકાના શેરબજારમાં ધોવાણ થયું હતું, જેની અસર ઈન્ડિયન માર્કેટ પર થઈ હતી. આજે પણ માર્કેટમાં જોરદાર ગાબડા પડવાથી કદાચ રોકાણકારો માટે બ્લેક મન્ડે સાબિત થાય તો નવાઈ નહીં. શુક્રવારે પણ રોકાણકારોને 4.56 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.
આજે ફોરેન કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયામાં ઘસરકો રહ્યો હતો, જે 83 રુપિયાના મથાળે રહ્યો હતો. એશિયાઈ શેરબજારમાં જોરદાર વેચવાલીનો માહોલ હતો. જાપાનના નિક્કી ઈન્ડેક્સ 6.4 ટકા ગબડીને સાત મહિનાના તળિયે પહોંચ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 3.9 ટકા અને કોસ્ડેકમાં 3.5 ટકાનું ગાબડું પડ્યું હતું.