પહલવાન વીર બાબાનું મંદિર: જ્યાં હિંદુઓ અને મુસ્લિમો એકસાથે કરે છે પૂજાપાઠ-બંદગી
ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર સ્થિત આ ધર્મસ્થળ છે ધાર્મિક સદભાવનાનું કેન્દ્ર, જાણો મહત્ત્વ
દેશના દરેક ખૂણામાં પોત-પોતાના ધર્મમાં લોકો આસ્થા રાખતા હોય છે. મુસ્લિમો મસ્જિદ, દરગાહમાં બંદગી કરવા જાય છે તો હિંદુઓ પૂજા કરવા માટે મંદિર જાય છે, પરંતુ ઉત્તર પ્રદેશનું સુલ્તાનપુરમાં એક એવું મંદિર છે, જ્યાં ફક્ત હિંદુઓ જ નહીં, પણ મુસ્લિમો પણ આવે છે. માનતા ના હોય તો જાણીએ ક્યાં આવેલું છે મંદિર-મસ્જિદ. સુલ્તાનપુર સ્થિત પહલવાન વીર બાબા નામે ધર્મસ્થળ આવેલું છે. અહીંયા હિંદુઓની સાથે સાથે મુસ્લિમો પણ પહલવાન વીર બાબાને ચાદર ચઢાવવા માટે આવે છે.
મંદિરના પૂજારી કહે છે કે બંને ધર્મના લોકો બાબાની આસ્થાને લઈ આવે છે. બંને ધર્મની આસ્થામાં એટલું જ અંતર છે કે હિંદુ ધર્મના લોકો ભગવા અથવા અન્ય રંગની ચાદર ચઢાવે છે, જ્યારે મુસ્લિમો ગ્રીન કલરની ચાદર ચઢાવે છે. લોકો પોતપોતાની આસ્થા પ્રમાણે પૂજા પાઠ કરે છે. આ જગ્યાને લઈને લોકોની અલગ અલગ માન્યતા છે. કહેવાય છે કે પહલવાન વીર બાબાના દર્શન માટે આવનારા જે કોઈ સાચા મન અને શ્રદ્ધાથી આવે છે તેની મનોકામના પૂરી થાય છે.
મંદિરના પૂજારી ગંગા પ્રસાદ મિશ્ર કહે છે પયાગીપુર ચૌરાહથી 200 મીટર દૂર આવેલું મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. અંગ્રેજોએ જ્યારે સુલ્તાનપુરમાં રેલવે ટ્રેક નાખવાનું શરુ કર્યું ત્યારે લોકોને મંદિરના મહત્ત્વ અંગે જાણકારી મળી હતી. અગાઉ લોકોને રેલવે ટ્રેક નાખવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી, તેથી અંગ્રેજો પણ પરેશાન હતા. દિલ્હીમાં બેઠેલા અધિકારીને બાબા સપનામાં આવ્યા અને કહ્યું આ મારું સ્થાન છે. પહેલા મારા સ્થાનકને સરખું કરાવો અને સ્થાનકથી દૂર રેલવે ટ્રેક નાખો તો કામકાજ સંપન્ન થઈ શકે છે અને એના પછી અધિકારીએ એમ જ કર્યું.
આજે પણ આ મંદિરે સુલ્તાનપુર સિવાય અમેઠી, રાયબરેલી, જૌનપુર, પ્રતાપગઢ, અયોધ્યા, આંબેડકરનગર વગેરે જગ્યાથી લાખો શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે. આ મંદિર લોકોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. મંદિરમાં પ્રસાદ તરીકે લાડુ પેડા અને ખુરમા ચઢાવાય છે. દર ગુરુવારે અહીંના શ્રદ્ધાળુઓની અચૂક ભીડ જોવા મળે છે. જો તમે પણ મંદિરે જવા માગતા હો તો પહલવાન વીર બાબાનું મંદિર સુલ્તાનપુરથી લગભગ બે કિલોમીટર પયાગીપુર ખાતે આવેલું છે. જો ભીડથી દૂર રહેવા ઈચ્છતા હો તો તમે ગુરુવાર સિવાયના દિવસે પણ દર્શન કરી શકો છો.
