માનવતા મરી ગઈઃ દીકરાને નહીં મારવા મા વિનંતી કરતી રહી, પણ રિક્ષાવાળાએ પતાવી નાખ્યો
મુંબઈઃ 21મી સદીમાં માણસો વધુ નિર્દયી, ઘાતકી બની રહ્યા છે. ચોરી-લૂંટફાટથી આગળ બળાત્કાર અને હત્યાનું પ્રમાણ વધતું જાય છે. કાયદાનો ડર કોઈને રહ્યો નથી. મુંબઈમાં તાજેતરમાં ઓવરટેક કરવાના કિસ્સામાં 27 વર્ષના યુવકની સ્થાનિક રિક્ષાવાળા લોકોએ બેરહેમીથી હત્યા કરી નાખી હતી. મલાડમાં રોડરેઝના બનાવમાં ઓટોચાલકના જૂથે 27 વર્ષના યુવકની કરપીણ હત્યા કરી નાખી. પોતાના દીકરાને બચાવવા માટે ખુદ મા વચ્ચે પડ્યા પછી પણ પોતાના દીકરાને બચાવી શકી નહોતી.
શનિવારે મલાડમાં બનેલી ઘટના ઓવરટેક કરવાના કિસ્સામાં બની હતી. યુવક પોતાના માતાપિતાને લઈને જઈ રહ્યો હતો, ત્યારે તેની કારને એક ઓટોરિક્ષા ચાલકે ઓવરટેક કરી, ત્યારબાદ બંનેની વચ્ચે બોલાચાલી થયા પછી વિવાદ થયો હતો. કહેવાય છે કે યુવક પોતાના માતાપિતા સાથે નવી કાર લેવા જઈ રહ્યો હતો, ત્યારે મલાડ રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો, જેમાં યુવકને રિક્ષાવાળાના જૂથે એટલી હદે મારપીટ કરી કે યુવકને જીવ ગુમાવવાની નોબત આવી. આસપાસના લોકો પણ પ્રેક્ષક બનીને જોતા રહ્યા, પરંતુ ભીડમાંથી માતાપિતા સિવાય કોઈ યુવકને બચાવવાની કોશિશ પણ કરી નહોતી.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ભીડ ઘાતકીપણે યુવકની મારપીટ કરી રહી હતી, જેમાં યુવકને બચાવવા માટે એની માતા દીકરાને વળગી પડી હતી, પરંતુ તેને લોકો સતત મારપીટ કરતા રહ્યા હતા. આ બનાવમાં માતાને ઈજા પણ પહોંચી હતી. વીડિયોમાં યુવકના પિતા પણ લોકોને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ ગુસ્સે ભરાયેલા લોકોએ તેમની પણ મારપીટ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મલાડના ડિંડોશીમાં એક ઓટો ડ્રાઈવરની સાથે રોડરોજની ઘટના પછી યુવકનું મોત થયું હતું. પુષ્પા પાર્કમાં આ બનાવ બન્યો હતો. અવિનાશ કદમ નામના રિક્ષાચાલકે આકાશ માઈન નામની યુવકની સ્કૂટીને ઓવરટેક કર્યો હતો, જેમાં સ્કૂટીની ટક્કર વાગી હતી. ત્યારપછી બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે અન્ય ઓટો ડ્રાઈવર આવ્યા હતા અને યુવકની જોરદાર પીટાઈ કરી હતી, જેમાં ગંભીર રીતે ઘાયલ થયા પછી યુવકનું હોસ્પિટલમાં મોત થયું હતું.
યુવકની ઓળખ આકાશ માઈન તરીકે કરવામાં આવી હતી. આ બનાવમાં દિંડોશી પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે રિક્ષાચાલક અને ત્રણ લોકો સામે કાર્યવાહી કરતા નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ પોતાના અનુભવ શેર કરતા ગુસ્સો ઠાલવ્યો હતો. મલાડ વિસ્તારમાં રિક્ષાચાલકોની દાદાગીરી અને ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા હોવાની પણ ફરિયાદ કરી હતી. રિક્ષાચાલકોની ગુંડાગીરી પર લગામ તાણવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.