December 20, 2025
ગુજરાત

ગુજરાતમાં 3 વર્ષમાં 74,000થી વધુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 634 કરોડની આપી સબસીડી

Spread the love

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા અમલી ”શ્રી વાજપાઇ બેંકેબલ યોજના” અંતગર્ત ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૭૪ હજાર કરતાં વધુ કુટિર, ગ્રામોદ્યોગ, હાથવણાટ અને હસ્તકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને રૂ. ૬૩૪ કરોડની માતબર રકમની સબસીડી સહાયરૂપે આપવામાં આવી છે. આ કારીગરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવીને તેઓ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે, જે અંતર્ગત કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કારીગરોને સક્ષમ બનાવી, તેમની આવકમાં વધારો કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ “વાજપાઈ બેંકેબલ યોજના” આશીર્વાદરૂપ બની છે.
devdiscourse image source

લોનની મર્યાદા રૂ. ૮ લાખથી વધારીને રૂ. ૨૫ લાખ, મહત્તમ સબસીડીની મર્યાદા રૂ. ૩.૭૫ લાખ કરાઇ

રાજ્ય સરકાર દ્વારા અમલી આ યોજના અંતગર્ત વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૩,૬૫૯ લાભાર્થીને રૂ. ૧૯૭.૫૩ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૮,૦૪૯ લાભાર્થીઓને રૂ. ૨૩૨.૭૪ કરોડ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી માસ સુધીમાં ૨૩,૦૭૭ લાભાર્થીઓને રૂ. ૨૦૪.૪૦ કરોડની એમ કુલ ૭૪ હજાર કરતાં વધુ લાભાર્થીઓને રૂ. ૬૩૪ કરોડથી વધુ સબસીડી સહાયનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાની સફળતાને જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમ જ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રીના નેતૃત્વમાં લોન્ચ કરવામાં આવેલી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ – ૨૦૨૪ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે લોન રકમની મર્યાદા રૂ. ૮ લાખથી વધારીને રૂ. ૨૫ લાખની કરવામાં આવી છે. જ્યારે મહત્તમ સબસીડીની મર્યાદા રૂ. ૧.૨૫ લાખથી વધારીને રૂ. ૩.૭૫ લાખ કરવામાં આવી છે.

શહેરી અને ગ્રામીણ વિસ્તારોના બેરોજગાર યુવાન-યુવતીઓને સ્વરોજગારી પુરી પાડવાના ઉમદા આશય
“શ્રી વાજપાઈ બેંકેબલ યોજના” હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના બેરોજગાર યુવાન-યુવતીઓને સ્વરોજગારી પુરી પાડવાના ઉમદા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત, સહકારી, પબ્લિક સેક્ટર તેમજ ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન-સહાય આપવામાં આવે છે.

યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ આવક મર્યાદાઓનો બાધ નથી
ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ યુવાન-યુવતીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે ૧૮ થી ૬૫ વર્ષના કારીગરોએ ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ કરેલું હોવું જોઈએ અથવા વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ અથવા વારસાગત કારીગર હોવા જરૂરી છે. વધુમાં આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ આવક મર્યાદાઓનો બાધ નથી. રાજ્ય સરકાર દ્વારા કારીગરોને ઉદ્યોગ, સેવા તેમ જ વેપાર ક્ષેત્ર માટે હાલ મહત્તમ રૂ. ૮ લાખ સુધીની લોન, જેમાં રૂ. ૧.૨૫ લાખ જેટલી મહત્તમ સબસીડી પણ આપવામાં આવે છે.

વેબસાઈટ પરથી તમે વિવિધ માહિતી મેળવી શકો છો
રાજ્યના વધુમાં વધુ કારીગરો પારદર્શિતા સાથે “શ્રી વાજપાઇ બેંકેબલ યોજનાનો” મહત્તમ લાભ લઈ શકે અને અરજી કરવામાં અનુકુળતા રહે તે માટે તેને ઓનલાઈન કરવામાં આવી છે. વેબસાઇટ www.blp.gujarat.gov.in પર ક્લિક કરીને લાભાર્થીઓ આંગળીના ટેરવે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!