અમને કાંદાએ હરાવ્યાઃ અજિત પવારે કરી કબૂલાત…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં અજિત પવારની આગેવાનીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું પ્રદર્શન ખરાબ કર્યા પછી મહાયુતિની સરકારમાં ખેંચાખેંચી ચાલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે મહાયુતિની સરકાર ખેડૂતોને સંતોષ આપવામાં નિષ્ફળ રહી હતી. એના કારણે એનડીએ ગઠબંધનને પુણે, નાશિક, નગર અને સોલાપુર વગેરે જિલ્લામાં સૌથી મોટું નુકસાન થયું હતું.
અજિત પવારે કહ્યું હતું કે ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારને માહિતી આપવામાં આવી હતી કે કાંદા મુદ્દે યોગ્ય લાવવાનું જરુરી છે. અજિત પવારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની વચ્ચે કાંદા મુદ્દે સરકારે કોઈ યોગ્ય પગલા લીધા નહોતા. કાંદાની નિકાસ પરના પ્રતિબંધને કારણે ભાવ ઓછા થયા હતા અને એના કારણે ખેડૂતો નારાજ હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે એના ઉપાય અજમાવવા જરુરી હતા. અમે કેન્દ્ર સરકારને પણ એવા પણ ઉપાય બતાવ્યા હતા કે તેનાથી કાંદા ઉત્પાદક અને વપરાશકર્તા ખુશ થઈ જાય. જોકે, આ મુદ્દે કેન્દ્ર સરકારે ધ્યાન નહીં આપતા જળગાંવ અને રાવેરને છોડીને નાશિક, પુણે, નગર અને સોલાપુરની બેઠક પર મહાયુતિને નુકસાન થયું હતું.
અજિત પવારે કહ્યું હતું કે શપથગ્રહણના કાર્યક્રમ વખતે પીયૂષ ગોયલ અને અમિત શાહને જણાવ્યું હતું. જોકે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. અહીં એ જણાવવાનું કે આરએસએસના મુખયપત્રમાં ભાજપની હાર 400 પારના સૂત્રને જવાબદાર ગણાવ્યું હતું તેમ જ એનસીપી સાથે કરવામાં આવેલા ગઠબંધનને પણ કારણભૂત ગણાવી હતી. લોકસભાની ચૂંટણીમાં ફક્ત એક જ બેઠક પર જીત થઈ હતી, જ્યારે અજિત પવારના પત્ની ખુદ બારામતીની સીટ પરથી હાર્યા હતા.
મહારાષ્ટ્રમાં એનડીએને 48માંથી 17 બેઠક મળી હતી, જેમાંથી નવ ભાજપને મળી હતી, જ્યારે શિવસેનાના ફાળે સાત અને એનસીપીને એકનો સમાવેશ થાય છે. એનાથી વિપરીત મહાવિકાસ આઘાડીને 48માંથી 30 સીટ મળી હતી. એકનાથ શિંદેએ પણ સ્વીકાર્યું હતું કે ખેડૂતોની નારાજગી મહાયુતિને ભારે પડી. નાશિકમાં કાંદાએ રોવડાવ્યા હતા, જ્યારે મરાઠવાડા અને વિદર્ભે સોયાબીન અને કપાસને કારણે ફટકો પડ્યો હતો.
