July 1, 2025
ગુજરાત

દેશમાં અમદાવાદના ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું, જાણો વિશેષતા?

Spread the love

17 વર્ષના દિવ્યાંગ બાળ ઓમને મળ્યો ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર

ગાંધીનગરઃ વ્યક્તિમાં કંઈ કરવાની ધગશ હોય તો ગમે તેટલા કપરા સંજોગો કેમ ના હોય એ ઝળકે છે. વાત માન્યામાં આવે એવી નથી, પરંતુ અમદાવાદના 17 વર્ષના દિવ્યાંગ તરુણને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. એટલે અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીયસ્તરે પોતાનું તથા પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાયો છે. દિવ્યાંગ ઓમ વ્યાસને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે તેની અદ્વિતીય સિદ્ધિઓ માટે આ નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સેરેબલ પાલ્સી નામની બીમારીથી પીડાતા ઓમ વ્યાસે આટલી નાની ઉંમરમાં અનેક પડકારો વચ્ચે પણ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરીને ખરેખર કમાલ કરી છે. જાણીએ તેની વિશેષતા.
ભક્તિ અને શ્લોકોમાં ધરાવે છે રુચિ
ઓમ વ્યાસની વિશેષતા વિશે વાત કરીએ તો ઓમ લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવદ ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના લગભગ ૨૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. આશ્ચર્યની વાત એ છે કે ઓમ માત્ર ભક્તિનાં ગીતો અને શ્લોકોમાં જ રુચિ ધરાવે છે, તેના માટે મનોરંજનનું સાધન એટલે માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો. ઓમની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આધ્યાત્મિક ક્ષેત્રે તેની અભિરુચિ વધતી જાય છે.
સાંભળી સાંભળીને બધુ કંઠસ્થ કરે છે ઓમ
ઓમને આ ઉપરાંત હનુમાન ચાલીસા, શિવમહિમ્ન સ્ત્રોત, શિવમાનસ પકજા, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્રી, ગાયત્રી ચાલીસા, સાંઈ ભવાનીના શ્લોકો અને મારી હુંડી સ્વીકારો મહારાજ, શંભુ શરણે પડી વગેરે જેવાં ભજનો કંઠસ્થ છે. અને નવાઈની વાત એ છે કે, આ બધું ઓમ વ્યાસે માત્ર સાંભળી સાંભળીને કંઠસ્થ કર્યું છે. ઓમ વ્યાસે અત્યાર સુધી અનેક શો પણ કર્યા છે. અને અનેક એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી અને સર્ટિફિકેટથી તેનું સન્માન કરવામાં આવ્યું છે. ઓમની એક કરતા અનેક ટેલેન્ટને કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ જેવી અલગ અલગ ૧૮ રેકોર્ડ બુક્સમાં નામ પણ નોંધાયું છે.
ઓમને વીર બાળ દિવસે પુરસ્કાર મળ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, વીર બાળ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારંભમાં દેશના ૧૭ બાળકને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના દિવ્યાંગ બાળ ઓમ જિજ્ઞેશ વ્યાસને પણ બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દિવ્યાંગ બાળ ઓમ વ્યાસની સિદ્ધિઓની સરાહના કરતાં ગુજરાતનું ગૌરવ વધારવા માટે તેને અભિનંદન પણ પાઠવ્યા છે.



17 વિજેતામાં સાત છોકરા-10 છોકરીનો સમાવેશ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા. આ વખતે 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં 7 છોકરા અને 10 છોકરીનો સમાવેશ થાય છે. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ભારત મંડપમમાં આ એવોર્ડ એનાયત કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024થી સન્માનિત બાળકોને મળ્યા હતા. તેમણે બાળકો સાથે ઘણી વાતો કરી અને તેમની ખબરઅંતર પણ પૂછ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!