March 20, 2026
ટોપ ન્યુઝહોમ

બ્લેક ગોલ્ડ વોર: તેલ માટે ત્રીજા વિશ્વયુદ્ધની લટકતી તલવાર

Spread the love


હિટલરથી લઈને ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ સુધી, જાણો શા માટે ‘તેલ’ હંમેશા લોહિયાળ યુદ્ધોનું કારણ બન્યું છે


તેલ માટે યુદ્ધનો ઈતિહાસ નવો નથી, પરંતુ આજે ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે,એમાં ઈતિહાસનું નક્કી પુનરાવર્તન થઈ રહ્યું છે. આ યુદ્ધ હવે ખતરનાક સ્વરુપ ધારણ કરી રહ્યો છે, જે બ્લેક ગોલ્ડ વોર કહી શકાય. છેલ્લા 100 વર્ષમાં અનેક યુદ્ધનું કારણ પણ બન્યો છે. દુનિયાના અનેક દેશોએ ફક્ત જમીન અથવા સત્તા માટે નહીં, પરંતુ તેલના કુવા, પાઈપલાઈન અને દરિયાઈ રસ્તે કબજો મેળવવા માટે લોહી વહાવ્યું છે. આજે પણ દુનિયાભરના દેશો અને મહાસત્તાઓ પણ તેલ-ક્રૂડ પર નિર્ભર છે, જ્યાં ફક્ત તેલ ઇંધણ નહીં, પરંતુ મહાશક્તિ અને વર્ચસ્વનું પ્રતીક બની ગઈ છે.

એડોલ્ફ હિટલર નિષ્ફળ કેમ રહ્યા
બીજા વિશ્વયુદ્ધ વખતે પણ તેલ સૌથી વ્યૂહાત્મક હથિયાર બની ગયું હતું અને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની નજર સોવિયેત સંઘના કાકેશસ ક્ષેત્રના (બાકુ)ના તેલ ભંડાર પર હતી. હિટલરનું માનવું હતું કે જો તેલ મળી ગયું તો જર્મની યુદ્ધ જીતી શકે છે. આ જ કારણથી યુદ્ધ છેડાયું, જે દુનિયાના ઈતિહાસની સૌથી ખતરનાક લડાઈ માનવામાં આવે છે, પરંતુ તેલની લાલચમાં જર્મનીએ પોતાના લશ્કરને બે ભાગમાં વહેંચી દીધું, જે પોતાની કારનું જ નિમિત્ત બન્યું.
એ વખતે જાપાન પણ તેલ માટે યુદ્ધમાં જોડાયું હતું. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો પછી જાપાનએ દક્ષિણ-પૂર્વ એશિયાના તેલ સેક્ટર પર કબજો મેળવવાની કોશિશ કરી અને એના તણાવમાં પર્લ હાર્બર પર હુમલાનો જન્મ થયો હતો, પરંતુ તેલની અછતને કારણે જાપાનને સૌથી મોટો ફટકો પડ્યો.

ઈરાન-ઈરાક વચ્ચે ટેન્કર વોર
ઈરાન અને ઈરાક વચ્ચે 1980-88 એટલે આઠ વર્ષ સુધી બંને દેશ એકબીજાની અર્થવ્યવસ્થાને તહસનહસ કરવા માટે એટેક કરતા રહ્યા. આઠ વર્ષ ચાલેલા યુદ્ધને લોકો ટેન્કર વોર તરીકે પણ ઓળખે છે, કારણ કે દરિયાઈ ઓઈલ પરના જહાજોને નિશાન બનાવવામાં આવતા હતા. તેલની રિફાઈનરીઓને બોમ્બથી ઉડાવી દેવામાં આવી હતી. ખાડીમાં લેન્ડમાઈન્સ બિછાવવામાં આવી હતી, જ્યારે આ યુદ્ધમાં લગભગ 450 જહાજને નિશાન બનાવ્યા હતા, પરંતુ કોઈ પણ દેશ નિર્ણાયક જીત મેળવી શક્યું નહોતું. આ યુદ્ધની એટલી બધી અસર થઈ કે જગત જમાદાર અમેરિકાને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.

તેલ માટે ઈરાકે કુવૈતના કુવા બાળ્યા
ખાડી યુદ્ધ 1990-91થી શરુઆત થઈ, જ્યારે ઈરાકના નેતા સદ્દામ હુસૈનએ કુવૈત પર હુમલો કર્યો હતો. આ હુમલા પાછળ અનેક કારણો જવાબદાર હતા, પરંતુ સૌથી મોટું કારણ કુવૈતના વિશાળ તેલનો ભંડાર હતો. ઈરાક ઈચ્છતું હતું કે કુવૈતના તેલના ભંડારો પર કબજો મેળવવાનો હતો, પરંતુ અમેરિકાના નેતૃત્વમાં ગઠબંધન સેનાએ ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ ચલાવીને ઈરાકને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ યુદ્ધ વખતે ઈરાકે પીછેહઠ તો કરી, પરંતુ કુવૈતના સેંકડો કૂવાઓને આગ લગાવી દીધી હતી, જેનાથી પર્યાવરણને ભારે નુકસાન થયું હતું.

2003માં ઈરાક સામેના યુદ્ધમાં યુએસ થયું મજબૂત
2003માં થયેલું ઈરાક યુદ્ધ આજે ભૂલાયું નથી. અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો હતો, જેમાં કારણ હતું કે ઈરાકની પાસે વિનાશક હથિયારો છે. વાસ્તવમાં અમેરિકાએ કરેલો હુમલો તેલનું કારણ હતો. ઈરાકની પાસે દુનિયાના સૌથી વધુ તેલ ભંડારો પૈકી એક હતો. આ યુદ્ધ પછી અમેરિકાનું ખાડી દેશોમાં પ્રભુત્વ વધારે મજબૂત બન્યું હતું. તેલ બજારમાં અમેરિકાનું વર્ચસ્વ વધ્યું હતું.

હોર્મુઝ સ્ટ્રેટમાં દુનિયાના 20 ટકા તેલ થાય છે પસાર
ફારસની ખાડી ઓઈલમાર્ગ માટે સૌથી મહત્ત્વનો કોરિડોર છે, જ્યાંથી દુનિયાના 20 ટકા તેલનો ટ્રાફિક થાય છે. જો આ દરિયાઈ માર્ગ બંધ થાય તો સમગ્ર દુનિયામાં ઓઈલનું સંકટ ઊભું થઈ શકે છે. એવું પણ કહેવાય છે કે ડ્રોન સ્ટ્રાઈક અને નૌકાદળના ટકરાવને કારણે લેન્ડમાઈન્સનું મોટું સંકટ પણ છે. સવાલ એ થાય કે તેલ માટે યુદ્ધમાં ટેન્કર પર હુમલા કરાય છે. દરિયામાંથી પસાર થનારા જહાજ પર એટેક કરવાની સાથે રિફાઈનરી અને તેલના ઉપયોગી ઇંધણની ફેકટરીને તોડી નાખવાની તેમજ પાઈપલાઈન પર કબજો મેળવવાનો. ઓઈલ માટે યુદ્ધની વાત નવી નથી, પરંતુ આ સંઘર્ષ એટલો ખતરનાક હતો કે દુનિયાની મહાસત્તા આસમનેસામને આવી ગઈ છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયલની વચ્ચે વધતા યુદ્ધનો મુદ્દો ક્ષેત્રીય નથી, પરંતુ વૈશ્વિક સંકટનો એલાર્મ છે. દુનિયા માને છે કે જો યુદ્ધ રોકાશે નહીં તો ફરી બ્લેક ગોલ્ડ વોરનું સંકટ નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!