Ratan Tata Successor: હવે રતન ટાટાના ઉત્તરાધિકારી બનશે કોણ?
ભારત જ નહીં, પરંતુ દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું. ભારત સહિત દુનિયાભરના લોકોએ તેમના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું. 86 વર્ષની જૈફ વયે તેમનું અવસાન થયું. લાંબા સમયથી ઉંમર સંબંધિત વિવિધ બીમારીથી પીડાતા હતા, જ્યારે સારવાર અર્થે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ગઈકાલે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દેશને સૌથી મોટી ખોટ પડી, જ્યારે હવે તેમના સામ્રાજ્યનું સુકાન કોને મળશે એની ચર્ચા બળવત્તર બની.
3,800 કરોડની સંપત્તિના વારસ કોણ?
3,800 કરોડની સંપત્તિના વારસ કોણ બનશે એ જાણીએ. રતન ટાટાએ લગ્ન કર્યા નહોતા, તેથી પરિવારમાં કોઈ નથી. હવે ભાઈ-બહેનોના સંતાનોના ઉત્તારાધિકારી બને એવી ચર્ચા છે. રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા સંભવિત ઉત્તરાધિકારીના ટોપ પર છે.
નોએલ નવલ ટાટા સર દોરાબજી ટાટા ટ્રસ્ટ, સર રતન ટાટા ટ્રસ્ટ, જેએન ટાટા એન્ડોમેન્ટ અને બાઈ હીરાબાઈ જેએન ટાટા નવસારી ચેરિટેબલ ઈન્સ્ટિટયૂશન સાથે જોડાયેલા છે. તેઓ ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડ, વોલ્ટાસ લિમિટેડ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ અને ટાઈટન કંપનીના ઉપાધ્યક્ષ છે. આ ઉપરાંત, તેઓ ટાટા કન્સાઈ નેરોલેન્ક પેન્ટસ લિમિટેડ અને સ્મિથ પીએલસી બોર્ડમાં પણ સમાવેશ થાય છે.
રતન ટાટાના પિતા નવલ ટાટાની બીજી પત્ની સિમોનના દીકરા નોએલ ટાટા છે. પરિવારમાં સૌથી નજીકના હોવાથી નોએલ ટાટા ઉત્તરાધિકારી બને એની શક્યતા છે. નોએલ ટાટાના ત્રણ સંતાન છે, જેમાં માયા, નેવિલ અને લિયા ટાટા છે. આ ત્રણેય સંતાન રતન ટાટાની સંપત્તિના સંભવિત ઉત્તરાધિકારીમાં સમાવેશ થાય છે.
નોએલ ટાટાના ત્રણ સંતાન પણ દાવેદાર
નોએલ ટાટાના ત્રણેય બાળકોએ અત્યારે ટાટા ગ્રુપમાં અલગ અલગ જવાબદારી સંભાળી છે. 34 વર્ષની માયા ટાટા ટાટા ઓપોર્ચ્યુનિટી ફંડ અને ટાટા ડિજિટલમાં પોતાની ભૂમિકા નિભાવે છે. ટાટા ન્યૂ એપ લોન્ચિંગમાં પણ મહત્ત્વનું યોગદાન હતું. 32 વર્ષની નેવિલ ટાટા ટ્રેન્ટ લિમિટેડમાં હાઈપરપાવર ચેન સ્ટાર બજારને લીડ કરે છે. બીજી બાજુ 39 વર્ષની લીયા ટાટા, ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી સેક્ટરને સંભાળે છે. તેઓ તાજ હોટેલ્સ અને રિસોર્ટ્સ એન્ડ પેલેસીસ સંભાળે છે. ઉપરાંત, ઈન્ડિયન હોટેલ કંપનીની દેખરેખ પણ રાખે છે.