July 1, 2025
નેશનલ

કેબિનેટમાં જેપી નડ્ડાને સમાવી લેતા હવે ભાજપના પ્રમુખ કોણ બનશે?

Spread the love

…તો કોઈ મહિલાની પણ પસંદગી કરવામાં આવે તો નવાઈ નહીં
લોકસભાની ચૂંટણીના પરિણામો પછી એક અઠવાડિયાની અંદર નરેન્દ્ર મોદી સાથે કેબિનેટના પ્રધાનોની શપથવિધિ લેવામાં આવી અને 24 કલાકમાં પોર્ટ ફોલિયોની વહેંચણી કરવામાં આવી. એની સાથે સૌથી મોટો ફેરફાર ભારતીય જનતા પાર્ટીમાં કરવામાં આવ્યો હતો. રાજનાથ સિંહ અને અમિત શાહને રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી કેબિનેટમાં લાવ્યા હતા. એ જ રીતે જેપી નડ્ડાને મોદીની કેબિનેટમાં લેવામાં આવ્યા તેમ જ હેલ્થ મિનિસ્ટર પણ બનાવ્યા. આમ છતાં પ્રમુખપદની રેસમાં ચાર પુરુષ સાથે એક મહિલાનું નામ ચર્ચામાં છે.
જેપી નડ્ડાનો ભાજપના પ્રમુખ તરીકેનો કાર્યકાળ આ જૂન મહિનામાં પૂરો પણ થઈ રહ્યો હતો, તેથી તેમને કેન્દ્રીય પ્રધાન બનાવી દીધા છે. આમ છતાં ભાજપ માટે નવા પ્રમુખની પસંદગીની કામગીરી વધુ ઝડપી બનાવી છે. એનાથી મોટી વાત એ હતી કે જેપી નડ્ડાના સ્થાને ગુજરાતમાંથી સીઆર પાટીલ અને મધ્ય પ્રદેશમાંથી શિવરાજ સિંહ ચૌહાણ દાવેદાર બની શકે એની શક્યતા હતા, પરંતુ એ બંનેને પણ કેબિનેટમાં લેવામાં આવ્યા છે, તેથી પાર્ટી કોને પ્રમુખ બનાવે એની પણ વિમાસણમાં છે.
જેપી નડ્ડાને 2019માં લોકસભાની ચૂંટણી પછી ભાજપના વર્કિંગ પ્રેસિડન્ટ બનાવ્યા હતા, ત્યાર બાદ ચૂંટણીને કારણે જૂન, 2024 સુધી તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો.જોકે, હવે ભાજપ પ્રમુખની રેસમાં સૌથી પહેલું નામ મહારાષ્ટ્રમાંથી વિનોદ તાવડેનું ચર્ચામાં છે. હાલમાં ભાજપના તેઓ મહાસચિવ પણ છે. મહારાષ્ટ્રની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા તાવડેને વધુ અસરકારક નેતા માનવામાં આવે છે, જ્યારે બીએલ સંતોષને પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. તાવડે મરાઠા હોવાની સાથે યુવા નેતા હોવાથી સંગઠનને પણ સારી રીતે સમજતા હોવાનું કહેવાય છે.
એના સિવાય ઓબીસી મોરચાના ચીફ કે લક્ષ્મણનું નામ પણ અધ્યક્ષની રેસમાં છે. કે. લક્ષ્મણ તેલંગણાથી આવે છે, જ્યારે આ રાજ્યમાં ભાજપ સૌથી વધુ ધ્યાન પણ રાખે છે. આંધ્ર પ્રદેશ પછી દક્ષિણમાં ભાજપ તેલંગણા પર વધુ ધ્યાન આપે છે. લક્ષ્મણ તેલંગણાના પણ ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. આક્રમક નેતા સાથે શાંતિથી કામગીરી કરવા માટે પણ જાણીતા છે.
ઉપરાંત, ભાજપના મહાસચિવ સુનીલ બંસલનું નામ પણ ચર્ચાય છે. પશ્ચિમ બંગાળ, તેલંગણા, ઓડિશા જેવા ત્રણ રાજ્યના ઈન્ચાર્જ પણ રહી ચૂક્યા છે. યુપીના મહાસચિવ તરીકે પણ તેમનું પાર્ટી માટે જોરદાર કામકાજ રહ્યું હતું. આ ત્રણ નેતાની પસંદગી ના કરવામાં આવે તો રાજસ્થાનમાંથી ભૈરોસિંહ શેખાવતના શિષ્ય ઓમ માથુરની પસંદગી કરી શકાય છે. આરએસએસના પ્રચારક રહેલા ઓમ માથુર ગુજરાતમાં પ્રભારી પણ રહી ચૂક્યા છે. અને છેલ્લા ઉમેદવારની વાત કરીએ તો કદાચ કોઈ મહિલાને પણ પાર્ટીના નેતા બનાવી શકાય છે, જેમાં સ્મૃતિ ઈરાની પર પણ પાર્ટીના પ્રમુખ તરીકે પસંદગીનો કળશ ઢોળાય તો નવાઈ નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!