હવે સુરત નજીક ટ્રેન ઉથલાવવાની કોશિશ, બનાવની જાણ થતા મોટી હોનારત ટળી
સુરતઃ ગુજરાતના સુરતમાં હવે ટેન ઉથલાવવાની કોશિશ કરતા સમાચાર જાણવા મળ્યા હતા. સુરતમાં ટ્રેન ઉથલાવવાની કોશિશ કરી હતી. રેલવે ટ્રેકની ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને રેલવે ટ્રેકની બાજુમાં ફેંકી હતી. જોકે, સમયસર એની જાણ થયા પછી મોટી હોનારત ટળી ગઈ હતી. રેલવે ટ્રેકની મરમ્મત કરવામાં આવ્યા પછી ટ્રેનસેવાને ચાલુ કરવામાં આવી હતી.
રેલવે અધિકારીએ કહ્યું કે આ બનાવ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં બન્યો હતો. આજે સવારના પાંચ વાગ્યાના સુમારે રેલવેના કર્મચારીને એની જાણ થઈ હતી. સુરતના કિમ રેલવે સ્ટેશન નજીક ટ્રેનને ઉથલાવવા માટે ટ્રેક પરની ફિશ પ્લેટને ખોલી દેવામાં આવી હતી, પરંતુ આ બનાવ કિમેનને જાણ થયા પછી મોટી હોનારત ટળી ગઈ હતી. રેલવેના કર્મચારી (કિમેન) સુભાષ કુમારે ટ્રેકનું પરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે ટ્રેક પર ફિશ પ્લેટને ખોલીને ચાવીને સાઈડમાં ફેંકી હતી. સુભાષ કુમારને બનાવની જાણ થયા પછી સ્ટેશન માસ્ટર અને રેલવે પોલીસને જાણ કરી હતી.
રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે એ રેલવે લાઈન પરની ટ્રેનસેવાને થંભાવી દીધી હતી અને તાત્કાલિક મરમ્મત કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેક મરમ્મત કરવામાં આવ્યા પછી ટ્રેનસેવાને ચાલુ કરવામાં આવી હતી. જોકે, સમયસર બનાવની જાણ થતા રેલવે વધુ એક મોટા અકસ્માતથી ઉગરી ગયો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના કોસમ્બા જંક્શન ખાતે આ બનાવ બન્યો હતો, જે સુરત નજીક પડે છે. રેલવેમાં વધતા અકસ્માતો અને ટ્રેનોને ઉથાલવવાનો વધુ એક પ્રયાસ જાણમાં આવતા રેલવે પ્રશાસન વધુ સાબદું બન્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઉત્તર પ્રદેશના મથુરામાં બુધવારે રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. આગ્રા-દિલ્હી રેલવે લાઈનમાં કોલસા વહન કરતી ગૂડ્સ ટ્રેન વૃંદાવન રોડ સ્ટેશનથી 800 મીટર આગળ પાટા પરથી ઉતરી ગઈ હતી. ગૂડ્સ ટ્રેનના 25 વેગન એક બીજા પર ચડી ગયા હતા, પરિણામે રેલવેના પાટા પર કોલસો ફેલાઈ જવાથી દિલ્હી-આગ્રા રૂટના ત્રણ ટ્રેક ખોરવાયા હતા.