ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનારા સુધરી જજો, નહીં તો હવે કાયદો કામ કરશે!
ગાંધીનગરઃ દેશમાં અંધશ્રદ્ધાના નામે ભોળા-ગરીબ-અમીર લોકોને લૂંટી લેનારાનો તોટો નથી, જેમાં ગુજરાતમાં નિરક્ષર લોકો સૌથી વધુ ભૂવા અને અંધશ્રદ્ધાના નામે લૂંટાય છે. લૂંટાવવાની સાથે ક્યારેક અમુક લોકો મોટી મુશ્કેલીમાં મૂકાય છે કે પરિવારના સભ્યોનો પણ જીવ જાય છે, તેથી ગુજરાત સરકારે હવે અંધશ્રદ્ધા ફેલાવનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો કર્યો છે. પંદરમી વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું, જે બિલને મંજૂરી મળી હતી.
ગુજરાત વિધાનસભામાં 64 વર્ષ પછી સર્વસમંતિથી માનવ બલિ અને અન્ય અમાનવીય દુષ્ટ પ્રથા-પરંપરાઓને રોકવા માટે એન્ટિ બ્લેક મેજિક બિલ પાસ કરવામાં આવ્યું છે. સરકારે રાજ્યમાં અંધવિશ્વાસના નામે પીડિત નાગરિકોની સુરક્ષા માટે દૃઢ સંકલ્પ કર્યો છે તથા તેના માટે કાયદો પણ ઘડવામાં આવ્યો છે.
અંધશ્રદ્ધાનું આચરણ કરનારા કે દુષ્પ્રેરણા ફેલાવનારાને સજા કરવામાં આવશે. મંજૂર થયેલા બિલમાં અંધશ્રદ્ધાળુઓને છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની જેલ સજા તથા 5,000થી લઈને 50,000 રુપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રસ્તાવિત કાયદામાં આરોપીને જામીન આપવામાં આવશે નહીં. કાયદાની જોગવાઈ પ્રમાણે જે કોઈ માનવ બલિદાન, કાળા જાદુ યા અઘોરી રીતને ડાયરેક્ટ યા ઈન્ડાયરેક્ટ રીતે પણ પ્રોત્સાહિત કરશે તો તે ગુનાપાત્ર બનશે, એમ ખરડામાં જણાવ્યું છે.
વધુમાં જો કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે બ્લેક મેજિક કે અઘોરી પ્રથા કે કાવતરું કરાવવું, વ્યવસાય કરાવવો કે જાહેરખબર આપીને પણ ઉત્તેજન આપીને કાયદાનો ભંગ કરશે તો સંબંધિત કલમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદામાં જામીન પણ નહીં મળે તેમ જ છ મહિનાથી લઈને સાત વર્ષની કેદ થશે.
ગૃહમાં સદગત પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ સભ્યોને મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલશ્રી સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને પૂર્વ દિવંગત સભ્યશ્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી.
૧૫મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર ગઈકાલે બુધવારથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલજી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીનભાઈ શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. રત્નાભાઈ ઠુંમર, સ્વ. રામસિંહજી સોલંકી, સ્વ. નંદકિશોર દવે, સ્વ. ખુરશીદહૈદર પીરઝાદા, સ્વ. સામતભાઈ રાઠોડ અને સ્વ. કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલે રાજ્યપાલ તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાન અને માર્ગદર્શનની સરાહના કરી હતી. સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યશ્રીઓના અવસાન અંગે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.