ઇંતઝાર ખતમઃ જાણી લો, મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ Metro ક્યારે શરુ થશે?
મુંબઈઃ દુનિયાના વિકસિત દેશોમાં વાહનવ્યવહારોના ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ હવે અંડરગ્રાઉન્ડ યા એલિવેટેડ પરિવહનનો માર્ગ અપનાવ્યો છે ત્યારે હવે મુંબઈ શહેર પણ બાકાત રહ્યું નથી. મુંબઈમાં પણ સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડાવવાનું સપનું જુલાઈ મહિનામાં સાકાર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે ઈલેક્શન પૂર્વે રાજ્ય સરકાર મહત્ત્વના પ્રકલ્પને લીલી ઝંડી આપશે.
2023ના અંતથી આરેથી બીકેસી વચ્ચે મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવી હતી. ટ્રાયલ રન પૂર્વે સિગ્નલિંગ સિસ્ટમ, ટેલિકોમ્યુનિકેશન, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ટ્રેક સિસ્ટમનું કામ પૂરું કરવામાં આવ્યું હતું.
અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન શરુ થવાથી દક્ષિણ મુંબઈના ટ્રાફિકમાં ઘટાડો થશે, જ્યારે સબર્બન રેલવેના પેસેન્જર ટ્રાફિકમાં પણ ઘટાડો થઈ શકે છે. 33.5 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ મેટ્રો આરે કોલોનીથી શરુ થશે. 33.5 કિલોમીટરના સ્ટ્રેચમાં 27 સ્ટેશન હશે. જુલાઈમાં પહેલા તબક્કાની મેટ્રો લાઈનની સર્વિસ શરુ થશે, ત્યારબાદ બીજા તબક્કાની કામગીરી પૂરી થયા પછી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનના 27 સ્ટેશન પૈકી 26 સ્ટેશન અંડરગ્રાઉન્ડ રહેશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન કફ પરેડ, વિધાન ભવન, ચર્ચગેટ, હુતાત્મા ચોક, સીએસટી મેટ્રો, ગિરગાંવ, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ મેટ્રો, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચૌક, વરલી, સિદ્ધિવિનાયક, દાદર, શિતલાદેવી, ધારાવી, બીકેસી, વિદ્યાનગરી, સાંતાક્રુઝ, ડોમેસ્ટિક એરપોર્ટ, સહાર રોડ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, મરોલ નાકા, એમઆઈડીસી, સિપ્ઝ અને આરે ડેપો.
અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનની સર્વિસીસ સવારે 6.30 વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મેટ્રો ટ્રેનની સ્પીડ કલાકના 90 કિલોમીટરની રહેશે, જ્યારે સરેરાશ પાંચથી દસ મિનિટના અંતરે મેટ્રો ટ્રેન સર્વિસ ઉપલબ્ધ હશે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા કોલાબા-બાંદ્રા-સિપ્ઝ મેટ્રો લાઈન ત્રણ (અંડરગ્રાઉન્ડ)ના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો ખર્ચ દિલ્હી મેટ્રો રેલ કોઓપરેશન (ડીએમઆરસી)ને આપવામાં આવ્યો છે. 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જ્યારે ડીએમઆરસી મેટ્રોના ઓપરેશન સાથે ઓપરેશન કંટ્રોલ મેનેજમેન્ટ, ડેપો કંટ્રોલ સિસ્ટમ, મેટ્રો સ્ટેશન, મેઈન્ટેનન્સ અને સમગ્ર મેટ્રો સિસ્ટમના ઈન્ફ્રાસ્ટ્રકચર તેમ જ પેસેન્જર સેફ્ટીની પણ જવાબદારી રહેશે.
અહીં એ જણાવવાનું કે 2016થી કોલાબા-બાંદ્રા-આરેની વચ્ચે મેટ્રો-થ્રી કોરિડોરનું કામકાજ ચાલી રહ્યું છે. આરેમાં કારશેડના નિર્માણ વિલંબને કારણે મેટ્રો-થ્રીનું કામકાજ ખોટકાયું હતું. કારશેડની જમીન વિવાદમાં કામકાજ અઢી વર્ષ ઠપ રહ્યું હતું. મુંબઈ સબર્બનમાં લોકલ ટ્રેન, બેસ્ટની બસ સાથે મેટ્રો-વન, ટૂએ અને સાત પણ સર્વિસમાં છે, જ્યારે મેટ્રો-થ્રી પણ સર્વિસમાં આવ્યા પછી મુંબઈગરાની લોકલ ટ્રેનોની નિર્ભરતા થોડી ઘટી શકે છે.