શેરબજારમાં ‘ઉત્તર ભારત’નો દબદબો: NSEમાં રોકાણકારોની સંખ્યા 4.3 કરોડ પાર
શેરબજારમાં બેતરફી ચાલને કારણે મોટા જ નહીં, નાના રોકાણકારો અવઢવમાં રહે છે કે મંદીમાં શું ખરીદવું અને તેજીમાં શું વેચવું. શેરબજારમાં દર વર્ષે-મહિને નવા રોકાણકારોની એન્ટ્રી અને નવાની એક્ઝિટ એ પણ હવે રીત બની ગઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના એક લેટેસ્ટ રિપોર્ટમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 4.3 કરોડને પાર કરી હોવાનો દાવો કર્યો છે, જેમાં જુલાઈ, 2025 સુધીમાં ઉત્તર ભારતના રોકાણકારોનો માર્કેટમાં દબદબો રહ્યો છે. એટલું જ નહીં, વર્ષ પૂર્વેની તુલનામાં 20 ટકાનો વધારો નોંધાયો છે, જે માર્કેટમાં નાના રોકાણકારોની મજબૂત ભાગીદારી અને વધતા વિશ્વાસનો નિર્દેશ કરે છે.

એક કરોડ પાર કરવામાં 14 વર્ષનો સમય લાગ્યો
એનએસઈના અહેવાલ અનુસાર રોકાણકારોની માર્કેટમાં સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક્સચેન્જમાં પહેલા એક કરોડ રોકાણકારો પહોંચાડવામાં 14 વર્ષનો સમય લાગ્યો છે, પરંતુ એના પછી રોકાણકારોની સંખ્યામાં ધીમે ધીમે જોરદાર વધી રહી છે. ફક્ત સાત મહિનામાં એક કરોડ રોકાણકારો થયા હતા, જે ભારતીય શેરબજારમાં મહત્તમ ભાગીદારીનો નિર્દેશ કરે છે. અહીં એ જણાવવાનું કે મે મહિનામાં એનએસઈમાં ગુજરાતના રોકાણકારોની સંખ્યા એક કરોડની થઈ હતી, જ્યારે પહેલા નંબરે મહારાષ્ટ્ર અને બીજા નંબરે ઉત્તર પ્રદેશ હતું.
દેશના અલગ અલગ રાજ્યમાં મહત્ત્વની ભાગીદારી
રિપોર્ટમાં જણાવ્યાનુસાર ઉત્તર ભારત પછી પશ્ચિમ ભારતના રોકાણકારોમાં માર્કેટમાં ભાગીદારી નોંધાવી છે. ઉત્તર ભારત પછી પશ્ચિમ ભારત બીજા ક્રમે છે, જેમાં 3.5 કરોડ રોકાણકારોનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં 2.4 કરોડ અને પૂર્વ ભારતના 1.4 કરોડ રોકાણકારો રજિસ્ટર્ડ છે. માર્કેટમાં રોકાણકારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં બંને ઉત્તર અને દક્ષિણ ભારતના રોકાણકારોની સંખ્યા 20 ટકાથી વધુ નોંધાઈ છે.
માર્કેટ પ્રત્યે નાના રોકાણકારોનો વિશ્વાસ વધ્યો
સમગ્ર દેશની વાત કરીએ રાષ્ટ્રીયસ્તરે જુલાઈ, 2025 સુધીમાં એનએસઈના રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 11 કરોડને પાર કરી છે, જે બાર કરોડની લગભગ નજીક છે. જુલાઈ મહિનામાં નવા 15.1 લાખ રોકાણકારો જોડાયા હતા, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધારે છે, જ્યારે છેલ્લા નવ મહિનામાં 19 ટકાનો વધારો દર્શાવે છે. વધતા રોકાણકારોની સંખ્યા માર્કેટ પ્રત્યે નાના રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો હોવાનું દર્શાવે છે. ગયા વર્ષની તુલનામાં નવા રોકાણકારોની માર્કેટમાં એન્ટ્રી ધીમી પડે છે, પરંતુ નવો રિપોર્ટ પ્રોત્સાહક છે.
અસ્થિરતા માટે વૈશ્વિક પરિબળો જવાબદાર
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલને બાદ કરતા છેલ્લા ત્રણ મહિનામાં રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે. જુલાઈ 2025ની વચ્ચે સરેરાશ 12.4 લાખ નવા રોકાણકારો જોડાયા, જે ગયા વર્ષના સમયગાળામાં 19.8 લાખ જોડાયા હતા. રોકાણકારોની એકંદરે રફતાર ધીમી પડવા માટે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ભારતનું મહત્ત્વનું સ્ટોક એક્સચેન્જ છે, જેની ઓફિસ મુંબઈમાં છે, જ્યારે તેની સ્થાપના 1992માં કરી હતી. દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે, જેના મુખ્ય ઈન્ડેક્સમાં નિફ્ટી 50, નિફ્ટી બેંક, નિફ્ટી મિડકેપ વગેરેનો સમાવેશ થાય છે. શેર ટ્રેડિંગ, ફ્યુચર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ વગેરેની સુવિધા આપે છે.
