‘અટલ’ સેતુ નહીં, ‘એપ્રોચ’ રોડ પર તિરાડ પડીઃ સરકારે કર્યું આ કામ
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલાં જ ખુલ્લા મૂકાયેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક-અટલ સેતુ (MTHL Atal Setu) પર છ જ મહિનામાં તિરાડો પડી ગઈ છે. એના અંગે અહેવાલો વહેતા થયા પછી સંબંધિત એજન્સી સાથે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ. આ મુદ્દે સરકારે સ્પષ્ટતા કરી કે અટલ સેતુ પર નહીં પણ અટલ સેતુના એપ્રોચ રોડ (રેમ્પ-થ્રી) પર તિરાડો પડી હતી અને તેનું કામકાજ પણ તત્કાળ હાથ ધરવામાં આવ્યું.
આ અંગે શુક્રવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આ તિરાડોનું નિરીક્ષણ કરીને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આખા રાજ્યમાં ભ્રષ્ટાચાર છે. અમે લોકો વિધાનસભામાં ભ્રષ્ટાચારના વિવિધ ઉદાહરણો રજૂ કરીશું.
અહીંયા તમારી જાણ માટે કે નવી મુંબઈ ખાતે અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા સેવા અટલ સેતુ પર ઉદ્ઘાટનના છ જ મહિનામાં તિરાડો પડી ગઈ છે. નાના પટોલેએ આ સેતુની મુલાકાત લીધી હતી અને આ સમયે તેમણે સરકાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકીને આ સેતુ પરથી પસાર થનારા નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે હું અહીંયા આવીને તમને એ વાતની ખાતરી કરાવવા માંગુ છું કે અમે લોકો જે કહી રહ્યા છીએ એ માત્ર આક્ષેપો નથી, પણ હકીકત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પણ નાના પટોલેએ સરકાર પર હલ્લાબોલ કર્યું હતું. જોકે, પટોલેના દાવાને એમએમઆરડીએ ફગાવ્યો હતો. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી હતી કે વાસ્તવમાં અટલ સેતુ નહીં પણ નવી મુંબઈ નજીકના ઉલ્વે નજીકના એપોચ રોડ પર તિરાડો પડી હતી. આ મુદ્દે રાજ્ય સરકારે પણ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 17,840 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ સેતુ દેશનો સૌથી લાંબો અને દેશનો સૌથી લાંબો સમુદ્રી પૂલ છે. નવી મુંબઈમાં ઉલ્વેની દિશા તરફના ભાગ પર આ તિરાડો જોવા મળી હતી. આ સેતનું ઉદ્ઘાટન 12મી જાન્યુઆરીના જ કરવામાં આવ્યું હતું.
21.8 કિમી લાંબો અને છ લેનવાળા આ સેતુનો 16.5 કિમીનો ભાગ સમુદ્ર પર અને 5.5 કિમીનો પૂલ જમીન પર છે. આ સેતુને કારણે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી મળશે. મુંબઈથી પુણે, ગોવા જનારા લોકોને પણ આ સેતુને કારણે રાહત મળી છે.