હવે નીતિ આયોગના માફક કામ કરશે ‘ગ્રિટ’ થિંક ટેન્ક, જાણો સરકારના વિકસિત ગુજરાતનું વિઝન?
ગાંધીનગર: દેંશના વિવિધ માળખાલક્ષી અને વિકાસ સબંધિત પ્રોજેક્ટને પૂરા કરવા તેમ જ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના પ્રયાસ હાથ ધરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત ૨૦૪૭ સંકલ્પની માફક ગુજરાત રાજ્યના 2047ના વિઝન માટે સરકારે ગ્રિટ મોડેલની જાહેરાત કરી છે. આ સંસ્થા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં પંદર અલગ અલગ સેક્ટરના નિષ્ણાતો અને અધિકારીઓની આગેવાનીમાં કામગીરી કરશે.
ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટયૂશન ફોર ટ્રાન્સફોર્મેશન
નીતિ આયોગની પેટર્ન પર ‘ગ્રિટ’-ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે કરવામાં આવી છે. વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત ૨૦૪૭નો ડાયનેમિક વિઝન ડોક્યુમેન્ટ- રોડમેપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર કરેલો છે.
ગ્રિટના અધ્યક્ષ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રહેશે
આ વિઝન ડોક્યુમેન્ટમાં દર્શાવાયેલા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યો ધ્યાનમાં લઈને વ્યુહાત્મક યોજનાઓની રચના માટે ‘ગ્રિટ’ થિંક-ટેન્ક તરીકે માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડશે. ‘ગ્રિટ’ની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી રહેશે તેમ જ ઉપાધ્યક્ષ તરીકે નાણાંમંત્રી અને સભ્યો તરીકે કૃષિ, આરોગ્ય, શિક્ષણ તેમ જ ઉદ્યોગ વિભાગના મંત્રીશ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
15 ક્ષેત્રના અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ
આ ઉપરાંત, ગવર્નિંગ બોડીના અન્ય સભ્યોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર, મુખ્યસચિવ નાણાં અને આયોજન વિભાગના અધિક મુખ્ય સચિવ કે અગ્ર સચિવ તેમ જ કૃષિ, નાણાં અને આર્થિક બાબતો, ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય તથા પોષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર તથા શિક્ષણ, વગેરે ક્ષેત્રોના રાજ્ય સરકાર દ્વારા નોમીનેટ કરવામાં આવે તેવા તજજ્ઞો રહેશે.
પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા કમર કસાશે
‘ગ્રિટ’ની આ ગવર્નિંગ બોડીના સભ્ય સચિવ તરીકે નિવૃત્ત કે સેવારત અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર રહેશે. આ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરની નિમણુંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-‘ગ્રિટ’ના કાર્યક્ષેત્રમાં જે બાબતો, વિષયોને આવરી લેવામાં આવ્યા છે. પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરની ઈકોનોમી બનવા માટે ટાસ્ક ફોર્સ કમિટીએ કરેલી ભલામણોના અમલીકરણની સમીક્ષા કરશે.