ચીનમાં નવા વાયરસે મચાવ્યો ઉત્પાત, પાંચ વર્ષ પછી ફરી લોકોમાં ફફડાટ
બીજિંગઃ કોરોના મહામારીની સૌથી પહેલા ચીનમાં અસર જોવા મળી હતી, ત્યારબાદ સમગ્ર દુનિયામાં સંકટ ઊભું થયું હતું. ત્યારે ફરી ચીનમાં નવા વાયરસે સંકટ ઊભું કર્યું છે. પાંચ વર્ષ પછી ચીનમાં મેટાન્યુમોવાયરસ (Metapneumovirus)ના સંક્રમણેને કારણે હોસ્પિટલમાં ભીડમાં વધારો થયો છે, જ્યારે વધતા પ્રકોપને કારણે આરોગ્ય પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે.
કોવિડ19 મહામારીના પાંચ વર્ષ પછી મેટાન્યુમોવાયરસથી ચીનમાં સંકટમાં આવ્યું છે, જેને કારણે હોસ્પિટલમાં કેસની સંખ્યા વધી છે, જ્યારે મૃત્યુ પામનારાની સંખ્યામાં વધારો થયો છે. વધતા સંકટને કારણે ચીનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
મેટાન્યુમોવાયરસ શું છે, કઈ રીતે ફેલાય?
ચીનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હોવાનું સોશિયલ મીડિયા પર ચલાવાય છે, પરંતુ આ બાબતમાં નક્કર હકીકત બહાર આવી નથી. મેટાન્યુમોવાયરસ (એચ.એમ.પી.વી.), જે ફ્લૂ જેવા લક્ષણો ઊભા કરે છે. કોવિડ-19 મહામારી જેવા લક્ષણો જોવા મળે છે, તેથી આરોગ્ય પ્રશાસને હિલચાલ વધારી છે. મળતી માહિતી અનુસાર ઉત્તર ચીનમાં એચએમપીવી ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. દરમિયાન ડોક્ટર્સે પણ એચએમપીવીથી બચવા માટે અંધાધૂંધ એન્ટિ વાયરલ દવાનો ઉપયોગ નહીં કરવાની પણ ભલામણ કરી છે, કારણ કે આ વાયરસથી બચવા માટે કોઈ રસી શોધી નથી અને એના લક્ષણો પણ શરદી-ઉધરસ જેવા હોય છે.
સોશિયલ મીડિયા પર શું થઈ રહી છે ચર્ચા?
ચીનના આરોગ્ય અધિકારીઓ નવા વાયરસના સંક્રમણ પર નજર રાખી રહ્યા છે, જ્યારે SARS-CoV-2 (કોવિડ19) નામના એક્સ હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે ચીન ઈન્ફ્લુઅન્ઝા એ, એચએમપીવી, માઈકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને કોવિડ-19 સહિત અનેક વાયરસના સંકટનો સામનો કરી રહ્યું છે, જ્યારે હોસ્પિટલ ખાસ કરીને ન્યુમોનિયા અને વ્હાઈટ લંગ સંબંધિત બીમારીથી પરેશાન છે.