આજથી બદલાશે આ નિયમો: પાન-મસાલા અને સિગારેટ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
2026નો જાન્યુઆરી મહિનો પૂરી થઈ ગયો છે અને આજથી ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે. 2026ના નવા મહિનાની શરૂઆત સાથે દેશમાં અનેક આર્થિક ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોમાં એલપીજી સિલિન્ડરની કિંમતો, ફાસ્ટેગના નિયમો અને ખાસ કરીને તમાકુ ઉત્પાદનો પરના ટેક્સ દરોમાં વધારા વગેરેનો સમાવેશ થાય છે.
સરકારે પાન-મસાલા અને તમાકુ ઉત્પાદનો પરના ટેક્સ માળખામાં મોટા ફેરફારો કર્યા છે, જેનાથી આ ચીજવસ્તુઓના શોખીનોના ખિસ્સા પર ભાર વધશે. સરકાર દ્વારા જીએસટી વળતર સેસના સ્થાને નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ લાગુ કરી રહી છે. જેમાં પાન-મસાલા પર ‘હેલ્થ એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ’ અને તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવશે.
આજથી એટલે કે પહેલી ફેબ્રુઆરીથી સિગારેટની લંબાઈના આધારે પ્રતિ 1000 સ્ટિક પર રૂપિયા 2050થી લઈને રૂપિયા 8,500 સુધીની વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગુ થશે. આ શુલ્ક હાલના 40 ટકા જીએસટી ઉપરાંત લાદવામાં આવશે, જેની સૌથી વધુ અસર પ્રીમિયમ સિગારેટ પર જોવા મળશે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ટેક્સમાં આ વધારાને કારણે આગામી નાણાકીય વર્ષમાં સ્થાનિક સિગારેટ ઉદ્યોગના વેચાણમાં છથી આઠ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
નાણા મંત્રાલય દ્વારા જાન્યુઆરી મહિનામાં જ તમાકુ અને ગુટખા પેકિંગ મશીન માટેના નવા નિયમો જાહેર કર્યા હતા. આ નિયમો હેઠળ ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતાનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે અને તે મુજબ જ શુલ્ક વસૂલવામાં આવશે. આ નિયમની તેની કિંમત પર અસર જોવા મળશે
આ સિવાય અન્ય મહત્વના ફેરફારો થઈ રહ્યા છે, જેમાં એલપીજીના દરમાં પણ વધઘટનો સમાવેશ થાય છે. દર મહિનાની પહેલી તારીખની જેમ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સુધારો થવાની શક્યતા છે. એલપીજી સિવાય ટોલ ટેક્સ પર ફાસ્ટેગ સાથે જોડાયેલા નવા નિયમો પણ પહેલી ફેબ્રુઆરી એટલે કે આજથી અમલમાં આવી શકે છે.
