February 21, 2026
ઈન્ટરનેશનલ

નેપાળમાં વરસાદી આફત, ભૂસ્ખલનમાં બે બસ નદીમાં તણાઈ, 63 પ્રવાસી ગુમ

Spread the love

કાઠમંડુઃ ભારતમાં ઉત્તરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલ વચ્ચે પડોશી દેશ નેપાળ પણ કુદરતી પ્રકોપનું ભોગ બન્યું છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યારે રોડ સાથે હવાઈ ટ્રાફિકને અસર થઈ છે. ભારે વરસાદને કારણે મધ્ય નેપાળમાં ભૂસ્ખલનને કારણે બે બસ ત્રિશુલી નદીમાં તણાઈ જવાના અહેવાલ છે. આ બે બસમાં 63 પ્રવાસી સવાર હતા, જે બધા ગુમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
નેપાળમાં ભારે વરસાદ આફત લાવ્યો છે. ગુરુવારે મોડી રાતના મધ્ય નેપાળના હાઈ-વે પર ભૂસ્ખલનને કારણે બે બસ નદીમાં તણાઈ ગઈ છે. બસમાં સવાર તમામ પ્રવાસીઓ ગુમ થયા છે. એક બસમાં 24 અને બીજી બસમાં 41 પ્રવાસી હતા. મોડી રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો છે, જ્યારે પ્રશાસનને જાણ થયા પછી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હવામાન ખરાબ હોવાથી બચાવ કામગીરીમાં પણ અવરોધ આવી રહ્યો છે. રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે કાઠમંડુથી ચિતવન, ભરતપુરની ડોમેસ્ટિક ફ્લાઈટને પણ રદ કરવામાં આવી છે.
nepal's landslide
વહેલી સવારના બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે, જ્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુમ થયેલા પ્રવાસીઓને શોધવાની કામગીરી પણ ચાલુ છે, પણ વરસાદને કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે, એમ જિલ્લાધિકારીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, અન્ય એક બનાવમાં ત્રણ પ્રવાસીએ જમ્પ મારીને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા, જ્યારે બીજા એક બનાવમાં ભૂસ્ખલન થવાથી એક પ્રવાસીનું મોત થયું હતું. નારાયણઘાટ-મુંગલિંગ હાઈ-વે પર ભૂસ્ખલનને કારણે અવરજવર પણ બંધ કરવામાં આવી છે.


દરમિયાન નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે ટવિટ કરીને લખ્યું હતું કે નારાયણગઢ-મુગ્લિન હાઈ-વે પર ભૂસ્ખલનમાં બસ વહી જવાને કારણે લગભગ પાંચ ડઝનથી વધુ પ્રવાસી ગુમ થવાના રિપોર્ટ છે. દેશના વિવિધ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે જાહેર સંપત્તિને પણ ઘણું નુકસાન થયું હોવાના અહેવાલથી હું વ્યથિત છું. નારાયણગઢના બનાવમાં ગુમ થયેલા પ્રવાસીઓને શોધવા માટે તમામ એજન્સીને તાકીદ કરું છું કે શક્ય એટલા વહેલા શોધવામાં આવે.આ બનાવમાં નેપાળ પોલીસ અને સેન્ટ્રલ પોલીસ ફોર્સના જવાન દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!