શોકિંગઃ અચાનક મૃત મહિલા અંતિમવિધિ વખતે જીવતી નીકળી…
અમેરિકામાં તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો ચર્ચામાં છે. અમેરિકાના નેબ્રાસ્કામાં એક વૃદ્ધ મહિલા મૃત્યુ પામ્યા બાદ અંતિમ વિધિ વખતે અચાનક જીતવી ઊભી થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. નેબ્રાસ્કામાં 74 વર્ષની મહિલાની અંતિમવિધિ વખતે અંતિમસંસ્કારધામમાં હાજર કર્મચારીને જાણવા મળ્યું કે મહિલા તો જીવતી છે. મહિલાના શ્વાસોશ્વાસ ચાલી રહ્યા હોવાની જાણ થયા પછી તાત્કાલિક તેને સીપીઆર આપવામાં આવ્યા હતા.
74 વર્ષની વૃદ્ધ મહિલા મૃત્યુ પામી હોવાની ડોક્ટરે જાહેરાત કર્યા પછી અંતિમવિધિ માટે સ્મશાન લઈ જવામાં આવી હતી. આ મુદ્દે લેંકેસ્ટર કાઉન્ટીના શેરિફ વિભાગના ચીફ બેન હાઉચીને કહ્યું હતું કે સાત દિવસથી એક વૃદ્ધ મહિલાની ડોક્ટર દેખરેખ રાખતા હતા અને અંતે ડોક્ટરને તેને મૃત જાહેર કરી હતી. ડોક્ટરે મૃત જાહેર કર્યાનું પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું હતું.
મહિલાના મૃત્યુ સમયે કંઈ સંદીગ્ધ જણાતું નહોતું. બધુ સામાન્ય લાગતું હતું. આ મુદ્દે પ્રશાસન દ્વારા વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જણાવ્યું હતું કે 74 વર્ષના કોન્સ્ટાન્સ ગ્લાન્સને હોસ્પિસ કેરમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, આ રિપોર્ટમાં આગળ જણાવ્યું હતું કે અંતિમવિધિ વખતે કર્મચારી મૃતદેહને મેજ પર રાખવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક જાણવા મળ્યું કે મહિલાનો શ્વાસ ચાલી રહ્યો છે. મહિલાને સીપીઆર આપવામાં આવ્યો ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ મુદ્દે સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વૃદ્ધ મહિલાની દેખરેખ રાખવામાં કોઈ બેદરકારી દાખવામાં આવી નથી કે કોઈ પુરાવા પણ મળ્યા નથી. આમ છતાં આ મુદ્દે તપાસ કરવામાં આવી છે. આ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ બેતરફી પ્રતિક્રિયાઓ આપી હતી. અમુક સોશિયલ મીડિયા યૂઝરે શોકિંગ પણ વાત ગણાવી હતી. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે જૂન મહિનામાં પણ ઈક્વાડોરની એક 76 વર્ષની મહિલાને પણ મૃત જાહેર કર્યા બાદ જીવતી નીકળી હતી. જોકે, ચાર કલાક પછી તેને મૃત જાહેર કરી હતી. દક્ષિણ આફ્રિકામાં પણ 2016માં એક અકસ્માતમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ મહિલાને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવી હતી, ત્યારબાદ મહિલા જીવતી હોવાનું જાણવા મળ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી.