February 10, 2026
ટોપ ન્યુઝનેશનલ

દેશમાં એનસીબીએ 2024માં 25,000 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું

Spread the love

નવી દિલ્હીઃ વીતેલા વર્ષે દેશમાં NCB સહિત દેશભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લગભગ 25330 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા, જે 2023માં જપ્ત કરાયેલા 16100 કરોડ રૂપિયાની સરખામણીમાં 55 ટકાથી વધુ છે. 2024માં જપ્ત કરાયેલા મોટા ભાગના ડ્રગ્સમાં અત્યંત હાનિકારક અને વ્યસનકારક કૃત્રિમ દવાઓ, કોકેન અને સાયકોટ્રોપિક પદાર્થો તરીકે ઉપયોગમાં લેવાતી ફાર્માસ્યુટિકલ દવાઓનો સમાવેશ થાય છે, જેની કિંમત ખૂબ વધારે પણ છે, એમ ગૃહ મંત્રાલયના અહેવાલમાં જણાવ્યું હતું.

2024માં જપ્ત કરાયેલ મેથામ્ફેટામાઇન જેવા ATSનો જથ્થો 2023માં 34 ક્વિન્ટલથી બમણાથી વધુ વધીને 80 ક્વિન્ટલ થયો છે. તેવી જ રીતે, કોકેઈનનું પ્રમાણ પણ 2023માં 292 કિલોથી વધીને 2024માં 1426 કિલો થયું. જપ્ત કરાયેલા મેફેડ્રોનનો જથ્થો પણ 2023માં 688 કિલોથી લગભગ પાંચ ગણો વધીને 2024માં 3391 કિલો થયો અને હશીશનો જથ્થો 2023માં 34 ક્વિન્ટલથી વધીને 2024માં 61 ક્વિન્ટલ થયો. આ ઉપરાંત, સાયકોટ્રોપિક પદાર્થો તરીકે દુરુપયોગ કરાયેલી ફાર્માસ્યુટિકલ દવાઓ (ગોળીઓ)ની સંખ્યા 1.84 કરોડથી વધીને 4.69 કરોડ થઈ ગઈ.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરવામાં આવેલા મુખ્ય ઓપરેશન્સ
ફેબ્રુઆરી 2024: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ અને 50 કિલો સ્યુડોએફેડ્રિન (નાર્કોટિક્સ બનાવતું રસાયણ) જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરી નેટવર્કનો પર્દાફાશ કર્યો. ઓસ્ટ્રેલિયન અને ન્યૂઝીલેન્ડના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે કાર્યવાહી કરતી વખતે NCB અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો.

ફેબ્રુઆરીઃ NCB, નૌકાદળ અને ATS ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘સાગરમંથન-1’ નામના સંયુક્ત ઓપરેશનમાં હિંદ મહાસાગરમાં લગભગ ૩૩૦૦ કિલો ડ્રગ્સ (3110 કિલો ચરસ/હાશીશ, 158.3 કિલો સ્ફટિકીય પાવડર મેથ અને 24.6 કિલો શંકાસ્પદ હેરોઈન)નો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. માર્ચમાં NCB એ ફેબ્રુઆરી 2024માં ડ્રગ દાણચોરી નેટવર્કના મુખ્ય સૂત્રધાર જાફર સાદિકની ધરપકડ કરી. એપ્રિલમાં NCB, ગુજરાત પોલીસના ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત દરિયાઈ કાર્યવાહીમાં લગભગ 86 કિલો હેરોઈન વહન કરતી એક વિદેશી બોટ જપ્ત કરવામાં આવી હતી અને 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન આશરે 602 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.

ઓક્ટોબર: NCBએ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના કાસના ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને ઘન અને પ્રવાહી સ્વરૂપમાં લગભગ 95 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું. એસીટોન, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મિથિલિન ક્લોરાઇડ, પ્રીમિયમ ગ્રેડ ઇથેનોલ, રેડ ફોસ્ફરસ, ઇથિલ એસિટેટ વગેરે જેવા રસાયણો અને ઉત્પાદન માટે આયાતી મશીનરી પણ મળી આવી હતી.

નવેમ્બર: ભારતમાં અને ખાસ કરીને દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં સક્રિય ડ્રગ્સ દાણચોરી સિન્ડિકેટ સામે મોટી સફળતા મેળવતા, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દિલ્હીમાં કોકેઈનનો સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો. આ કેસોમાં મળેલા સુરાગ અને ટેકનિકલ અને માનવ ગુપ્ત માહિતી દ્વારા કામ કરતા, NCB આખરે દાણચોરીના સ્ત્રોત સુધી પહોંચવામાં સફળ રહ્યું અને દિલ્હીના જનકપુરી અને નાંગલોઈ વિસ્તારોમાંથી 82.53 કિલો ઉચ્ચ ગ્રેડ કોકેન જપ્ત કર્યું. ‘સાગર મંથન-4’ નામના સંયુક્ત ઓપરેશનમાં, NCB, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસના ATS એ ગુજરાતમાંથી એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી ગેંગનો પર્દાફાશ કર્યો અને લગભગ 700 કિલો પ્રતિબંધિત મેથ જપ્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!