નવરાત્રીનો ચોથો દિવસઃ કુષ્માંડા માતાજીની પૂજા કરીને મેળવો કૃપા, આ રંગના પહેરો વસ્ત્રો…
નવરાત્રીના નવ દિવસમાંથી ત્રણ દિવસ પૂરા થયા અને આજે ચોથો દિવસ કુષ્માંડાને સમર્પિત છે. નવરાત્રીનો ચોથો દિવસ માતા કુષ્માંડાની પૂજા કરવાનું મહાત્મય છે. ધાર્મિક માન્યતા અનુસાર સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારે ચારેબાજુ અંધકાર હતો ત્યારે કુષ્માંડાએ પોતાની હળવી મુસ્કાનથી બ્રહ્માંડની રચના કરી હતી. માતા કુષ્માંડાની પૂજા યા ધ્યાન ધરવાથી વ્યક્તિને યશ, બળ-બુદ્ધિમાં વધારો થોય છે. માતાજીની કૃપાથી રોગ-દોષ અને કષ્ટ દૂર થવાની માન્યતા પ્રવર્તે છે.
આ મંત્ર અને સ્તુતિ કરીને કૃપા મેળવો માતાજીની
વૈદિક પંચાગ અનુસાર આજે ચોથું નોરતું. સવારના 7.49 વાગ્યાથી તિથિ શરુ થશે, જ્યારે સાતમી ઓક્ટોબરના સવારના 9.47 વાગ્યે પૂરી થશે. સવારે ઊઠીને ન્હાઈ ધોઈને સાફસુથરા કપડા પહેરીને કુષ્માંડા માતાજીને કંકુ, ચોખા, પાનના પત્તા, કેસરથી પૂજા કરો. ધૂપ-દીપ પ્રગટાવીને દુર્ગા ચાલીસાના પાઠથી પૂજાપાઠ કરો તેમ જ મંત્ર પણ કરો.
કુષ્માંડા માતાજીની પૂજા માટે આજે ખાસ કરીને આ મંત્ર કરો.
સુરાસમ્પૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ, દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્ત મેં.
માતાજીની સ્તુતિ માટે તમે યા દેવી સર્વભૂતેષુ માં કૂષ્માંડા રુપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ કરી શકો છો.
આજે ખાસ કરીને ઓરેન્જ કલરના વસ્ત્રો પહેરો
માતાજીનું રુપ તેજસ્વી માનવામાં આવે છે. માતાજીની આભાથી દુનિયા આખી રોશન થાય છે. માતાજીનું તેજસ્વી રુપ તો સૌથી પહેલા મનમાં આશા જન્માવે છે અને એના નામની અલગ જ પ્રકારની સકારાત્મક અનુભૂતિ અને એનર્જી આપે છે. આજના દિવસે ઓરેન્જ કલરના કપડા પહેરો. તમે સાડી, સૂટ યા કુર્તો પહેરી શકો છો. ઓરેન્જ કલરનું મહત્ત્વ પણ અલગ છે. નારંગી રંગ તાજગી, ઉત્સાહનો સંચાર કરે છે. આ રંગ કુદરત અને બદલાતી ઋતુ સાથે સંબંધ ધરાવે છે, કારણ કે નારંગી રંગમાં નવી ઊર્જાનો સંચાર કરાવે છે. રમતગમત ક્ષેત્રે પણ ખાસ કરીને અનેક ટીમો પોતાની ટીમના બ્રાન્ડિંગ માટે ઓરેન્જ કલરની પસંદગી કરે છે. ઓરેન્જ કલર ખતરાનો પણ નિર્દેશ કરે છે અને સુરક્ષાના ઉપકરણોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓરેન્જ કલરમાં પોઝિટિવિટી અને નેગેટિવિટીનો સંચાર
પોઝિટિવ અને નેગેટિવ એમ બંને પ્રકારની વિશેષતા ઓરેન્જ કલરમાં હોય છે. વૈજ્ઞાનિકોએ પણ પુરવાર કર્યું છે કે ઓરેન્જ કલર આશાવાદી, ખુશી અને ઉત્સાહનો પ્રતીક રહ્યો છે. એના સિવાય ઓરેન્જ કલર સૂર્યની રોશની સાથે જોડવામાં આવે છે, જે પૂરી દુનિયાને ઉજ્જવળ રાખવાનું કામ કરે છે, તેથી આજના દિવસે ઓરેન્જ કલરના કપડાં પહેરીને પણ પોતાને ખુશ અને આશાવાદી રાખી શકો છો.