નવી મુંબઈ એરપોર્ટનો ધડાકો: માત્ર 19 દિવસમાં 1 લાખ મુસાફરોનો આંકડો પાર!
મુસાફરોનો અદભૂત ધસારો, દિલ્હી, ગોવા અને બેંગલુરુ માટે સૌથી વધુ કનેક્ટિવિટી

નવી મુંબઈઃ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ (NMIA) એ વાણિજ્યિક ઉડાન કામગીરી શરૂ થયાના 19 દિવસમાં 1 લાખ મુસાફરનો મહત્ત્વનો આંકડો સફળતાપૂર્વક પાર કર્યો છે. 12 જાન્યુઆરી સુધીમાં એરપોર્ટે કુલ 1,09,917 મુસાફરોને હેન્ડલ કર્યા હતા, જેમાં 55,934 આગમન અને 53,983 પ્રસ્થાન કરતા મુસાફરોનો સમાવેશ થાય છે. ભારતના સૌથી નવા ગ્રીનફિલ્ડ વિમાનમથક NMIA દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
દસમી જાન્યુઆરીના 7,345 પ્રવાસીને સુવિધા ઉપલબ્ધ
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક લિમિટેડ (NMIA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 10 જાન્યુઆરી સૌથી વ્યસ્ત દિવસ રહ્યો હતો જ્યારે 7,345 મુસાફરોને સુવિધા ઉપલબ્ધ થઈ હતી. આ સિદ્ધિ મુસાફરોના આકર્ષણ અને પ્રદેશમાંથી મુસાફરીની માંગમાં સતત વધારો દર્શાવે છે.
નાતાલથી કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટની થઈ શરુઆત
20 મિલિયન મુસાફરોને પહોંચી વળવાની પ્રારંભિક ક્ષમતા ધરાવતા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ગત વર્ષે 25 ડિસેમ્બરથી વાણિજ્યિક મુસાફરોની ઉડાન સેવાઓ શરૂ કરી હતી. 25 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી દરમિયાન એરપોર્ટ ઓપરેટરની સુવિધાએ 32 સામાન્ય ઉડ્ડયન ફ્લાઇટ્સ સહિત 734 હવાઈ ટ્રાફિક હિલચાલનું સંચાલન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કુલ 40,260 આગમન અને 38,774 પ્રસ્થાન કરતી બેગ્સનો સમાવેશ થાય છે.
ટૂંકા ગાળામાં 22 ટનથી વધુ કાર્ગોનું કર્યું સંચાલન
એરપોર્ટે 22.21 ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે શરૂઆતથી જ મુસાફરો અને કાર્ગો કામગીરી માટે એરપોર્ટના સંકલિત અભિગમને રેખાંકિત કરે છે. કનેક્ટિવિટીની દ્રષ્ટિએ, દિલ્હી, ગોવા અને બેંગલુરુ ટોચના ક્ષેત્રો તરીકે ઉભરી આવ્યા છે. એરપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું કે “આધુનિક માળખાગત સુવિધાઓ, સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને ઓપરેશનલ કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરતા NMIA તેની સેવાઓને વધારવાનું જારી રાખશે”.
9 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે
ટકાઉપણાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ NMIAના નિર્માણમાં ગ્રીન બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ્સ, સૌર ઉર્જા, વરસાદી પાણીનો સંગ્રહ અને અવાજ ઘટાડવાની તકનીકોનો સમાવેશ થાય છે. વાર્ષિક ૯ કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા સાથે – CSMIA ના વર્તમાન ભાર કરતાં લગભગ બમણું NMIA ઉડ્ડયન, આતિથ્ય, લોજિસ્ટિક્સ અને રિટેલ ક્ષેત્રમાં રોજગારી સર્જન કરી રહ્યું છે. વૈશ્વિક ફ્લાઇટ નેટવર્કમાં NMIA નું એકીકરણ આગામી દાયકામાં મહારાષ્ટ્રના GDP માં નોંધપાત્ર વધારો કરે તેવુ અનુમાન છે.
