December 20, 2025
મનોરંજનહોમ

ક્રિકેટર બનવાનું સપનું હતું પણ કલાકાર બની ગયા નસીરુદ્દીન શાહ

Spread the love

જન્મદિવસે જાણો નસીરુદ્દીન શાહની 10 અજાણી વાતો, જેમાં છે ‘સ્પર્શ’થી લઈને ‘ધ ડર્ટી પિક્ચર’ સુધીની ફિલ્મ સફર

નસીરુદ્દીન શાહ ઈન્ડસ્ટ્રીના એવા કલાકાર છે, જે મસાલા ફિલ્મોની સાથે આર્ટ ફિલ્મોમાં જોરદાર અભિનયથી જાણીતા થયા હતા. કમર્શિયલ ફિલ્મોમાં પણ નસીરુદ્દીન શાહ એક્શન અને કોમેડીથી પણ જાણીતા બન્યા હતા, પરંતુ આર્ટ સિનેમામાં તેમને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તખ્તાના કલાકાર અનેક વિવાદોને લઈને પણ ચર્ચામાં પણ રહ્યા છે ત્યારે આજના બર્થડેએ તેમના જીવનની અજાણી વાતો છે, જે 75 વર્ષે પણ દર્શકોના દિલમાં રાજ કરે છે.

નવાબ ફેમિલીમાં નસીરુદ્દીન જન્મ્યા
વ્યક્તિગત વાત કરીએ તો 20 જુલાઈ, 1950ના ઉત્તર પ્રદેશના બારાબંકીમાં જન્મેલા નસીરુદ્દીન એક નવાબ ફેમિલી સાથે સંબંધ ધરાવતા હતા. નસીરે ઈન્ડસ્ટ્રીમાં પગલા પાડ્યા એ પૂર્વે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એક્ટિંગની તાલીમ લીધી હતી, જ્યારે ડેબ્યૂ કર્યું ત્યારે ઈન્ડસ્ટ્રીમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનનો સિતારો બુલંદી પર હતો છતાં તેઓ રાજેશ ખન્નાને કલાકાર માનતા નહોતા, જ્યારે કેન્દ્ર સરકારની કામગીરી પર સવાલો ઉઠાવીને વિવાદમાં રહ્યા છે.

જન્મદિવસ ક્યારે એના અંગે અજાણ
અભિનયની દુનિયામાં નસીરુદ્દીન શાહનું નામ મોટું છે. અભિનય પણ કમાલનો કરતા. અભિનયમાં ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે, પણ અભિનયના બાદશાહના આજના જન્મદિવસે એવી અનેક વાતો છે જે તમે નહીં જાણતા હોય. નસીરુદ્દીન શાહને ખુદ જન્મદિવસની ખબર નહોતી. જન્મ બારાબાંકી (ઉત્તર પ્રદેશ)માં થયો. પરિવારમાં પાંચ બાળકો પણ કમનસીબે ત્રણ બચ્યા. થોડા મોટા થયા ત્યારે પોતાના જન્મદિવસે પૂછ્યું કે માતાએ કહ્યું કે રમઝાનમાં જન્મ થયો હતો, પણ મિત્રોને કહી ચૂક્યા હતા કે મને જ મારો જન્મદિવસ ખબર નથી

ક્રિકેટર બનવા માગતા કલાકાર બની ગયા
પ્રાથમિક સ્કૂલના શિક્ષણમાં ખૂબ નબળા હતા નસીરુદ્દીન શાહ. એના પછી આઠમા ધોરણ સુધીમાં તો સિગારેટ પીવા લાગ્યા હતા. પચાસના ક્લાસમાં પચીસમા નંબરે આવતા, પણ ક્રિકેટના જબરા શોખીન હતા. નસીર ક્રિકેટર બનવા ઈચ્છતા હતા, પરંતુ બની શક્યા નહોતા. ક્રિકેટની તમામ મેગેઝિનના સાથે રાખતા હતા. ક્રિકેટર તો બની શક્યા નહીં, પરંતુ અભિનયના બાદશાહ બની ગયા. સ્પર્શ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો જાન્યુઆરીમાં આ ફિલ્મે 45 વર્ષ પૂરા કર્યા હતા અને આ ફિલ્મની સફળતાનું સેલિબ્રેશન કર્યું હતું અને ફિલ્મ અંગે નસીરુદ્દીને કહ્યું હતું કે આ ફિલ્મના અભિનય માટે હું આજે પણ ગૌરવ અનુભવું છું.

નસીરે ‘સ્પર્શ’માં ઈન્ટેન્સ અભિનય કર્યો
‘સ્પર્શ’ માટે પહેલી પસંદ સંજીવ કુમાર હતા, પરંતુ કંઈ કારણસર વાત બની નહીં અને ફિલ્મ નિર્માતાએ નસીરુદ્દીન શાહને પસંદ કર્યા. ફિલ્મમાં સાથે અભિનય કરનાર અભિનેત્રી શબાના આઝમીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નસીરુદ્દીન શાહે સ્પર્શ ફિલ્મમાં ઈન્ટેન્સ અભિનય કર્યો હતો. આ ફિલ્મના અનેક દિવસો સુધી જ્યારે નસીર સાથે મુલાકાત થતી ત્યારે તેનો હાથ પકડી લેતી. ફિલ્મમાં નસીરુદ્દીન શાહે પ્રજ્ઞાચક્ષુનો અભિનય કર્યો હતો, પણ ફિલ્મમાં છવાઈ ગયા હતા અને રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવામાં આવી હતી. ચમત્કાર ફિલ્મમાં જાણે અજાણે નસીરે પોતાના ક્રિકેટના શોખ પર અજમાઈશ કરી હતી.

18 વર્ષે ‘સપનો કે સૌદાગર’માં કામ કર્યું
નસીરુદ્દીન શાહે અઢાર વર્ષની ઉંમરે જાણીતા શોમેન રાજ કપૂર અને હેમા માલિનીની ફિલ્મ ‘સપનો કે સૌદાગર’માં કામ કર્યું હતું, પરંતુ ફિલ્મ રિલીઝ પૂર્વે પહેલા તેમના સીનને એડિટ કર્યો હતો. નસીરુદ્દીન શાહના પહેલા લગ્ન પરવીન મુરાદ (મનારા સિકરી) સાથે થયા અને દીકરી હીબા શાહ છે, જ્યારે બીજા લગ્ન રત્ના પાઠક સાથે થયા અને બે દીકરા (ઈમાદ શાહ અને વિવાન શાહ) છે. એક અજાણી વાત કે નસીરુદ્દીન શાહના સસરા બલદેવ પાઠક જાણીતા દરજી હતા, જે એક જમાનામાં રાજેશ ખન્નાના કપડાં સીવતા હતા.

FTIIની કેન્ટિમાં હુમલો પણ થયો હતો
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)ની કેન્ટિનમાં અભ્યાસ વખતે નસીરુદ્દીન શાહ પર તેમના સાથી મિત્ર રાજેન્દ્ર જસપાલે તેમને ચાકુ મારવાની કોશિશ કરી હતી, કારણ કે રાજેન્દ્ર જસપાલને લાગતું હતું કે જે ફિલ્મો નસીર કરી રહ્યા હતા એ વાસ્તવમાં તેમની મળવી જોઈતી હતી. નસીરુદ્દીન શાહના પહેલા ‘પરિંદા’ ફિલ્મમાં લેવાના હતા, પરંતુ વાત નહીં બનતા આ ફિલ્મમાં નાના પાટેકરે અભિનય કર્યો હતો.

આઠ ફિલ્મમાં નસીરે શાનદાર કામ કર્યું
ફિલ્મી કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું, જેમાં મુખ્ય કલાકાર સાથે વિલન તરીકે ભૂમિકાથી વધુ જાણીતા બન્યા હતા, પરંતુ આઠ ફિલ્મોમાં શાનદાર કામ કર્યું હતું. ‘સ્પર્શ’, ‘નિશાંત’,’ અર્ધ સત્ય’, ‘કથા’, ‘મંડી’, ‘ત્રિકાલ’ વગેરે હીટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. એના સિવાય બેસ્ટ પર્ફોર્મન્સ ફિલ્મમાં ‘માસુમ’, ‘સરફરોશ’, ‘આક્રોશ’, ‘મોહરા’, ‘જાને ભી દો યારો’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘ઈશ્કિયા’, ‘એ વેન્સડે’ વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘વેનસડે’માં કોમનમેનની ભૂમિકાના વખાણ થયા હતા. પૂરી ફિલ્મમાં આતંકવાદી જોવા મળેલા નસીરુદ્દીન ક્લાયમેક્સમાં કોમનમેન બતાવીને ફિલ્મના હીરો બની ગયા હતા.

ભારતીય ફિલ્મની કલ્ટ ફિલ્મથી જાણીતા બન્યા
1980માં રિલીઝ ગોવિંદ નિહલાનીની ‘આક્રોશ’ ફિલ્મ સામાજિક હતી. વકીલની ભૂમિકામાં એક આરોપીના ફેવરમાં કેસ લડે છે, જેના પત્નીની હત્યાનો આરોપ હોય છે. ભારતના જાતિવાદને આધારે બનાવેલી ફિલ્મમાં નસીરુદ્દીન શાહની ભૂમિકા લોકોને વિશેષ પસંદ પડી હતી. એના ત્રણ વર્ષ પછી કુંદન શાહની ‘જાને ભી દો યારો’ ભારતીય ફિલ્મની કલ્ટ ફિલ્મ ગણાતી હતી. મૂવીમાં ફોટોગ્રાફ વિનોદ ચોપરાનો અભિનય ભજવ્યો હતો. ભ્રષ્ટાચારના દૂષણને ઉજાગર કરતી કોમેડી ફિલ્મ દર્શકોની ફેવરેટ બની ગઈ હતી.

વિદ્યા બાલન સાથે રોમાન્સ કરીને તહલકો મચાવ્યો
માસુમ ફિલ્મમાં નસીરુદ્દીન શાહે દેવેન્દ્ર કુમારનો અભિનય ભજવ્યો હતો. ફિલ્મની સ્ટોરી પણ એકદમ હટકે હતી. અગાઉના અફેરથી જન્મેલા દીકરાને ઘરે લાવે છે, પરંતુ પત્ની સ્વીકારવા તૈયાર નથી. એ ફિલ્મે એંસીના દાયકામાં જોરદાર ચર્ચામાં રહી હતી. 1999માં આમિર ખાનના અભિનયવાળી સરફરોશ ફિલ્મમાં ઉમદા એક્ટિંગથી લાઈમલાઈટમાં રહ્યા હતા. એના સિવાય ‘ધ ડર્ટી પિક્ચર’માં નસીરુદ્દીન શાહે ફિલ્મ પડદા પર વિદ્યા બાલન સાથે રોમાન્સ કરીને તહલકા મચાવ્યો હતો. 60 વર્ષના નસીરુદ્દીન શાહે સૂર્યકાંત રોલ કરીને લોકપ્રિયતા મેળવી હતી. 2010માં અભિષેક ચૌબેની ‘ઈશિક્યિાં’માં ખાલુજાન બનેલા નસીરુદ્દીન પોતાના અભિનયને ચારચાંદ લગાવ્યા હતા. ફિલ્મના મજેદાર ડાયલોગ્સ અને કોમિક ટાઈમિંગ સુધી ખાલુજાનની ભૂમિકા શાનદાર હતી.

પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા
ભારતીય ફિલ્મોના યોગદાન માટે નસીરુદ્દીન શાહને પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ફિલ્મ ‘સ્પર્શ’ અને ‘ઈકબાલ’ માટે પણ તેમને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એનએસડીમાં જાણીતા અભિનેતા ઓમ પુરીના ક્લાસમેટ હતા નસીરુદ્દીન શાહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!