December 20, 2025
ગુજરાત

નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ વખતે રસ્તો ભૂલતા વિધાર્થીઓ ફસાચા, પોલીસે ગણતરીના કલાકોમાં કર્યું રેસ્ક્યુ

Spread the love

માતા સહિત રેસ્ક્યુ કરાયેલા યુવા વયના વિધાર્થીઓએ ગુજરાત પોલીસ સહિત સમગ્ર ટીમનો માન્યો આભાર

નર્મદાઃ ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ (Gujarat Police – Social Media Monitering, Awareness and Systematic Handling) એ વધુ એક મહત્વની કામગીરી પાર પાડી છે. નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી નજીક ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓને ગુજરાત પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના ત્વરિત માર્ગદર્શનની નિર્ણાયક ભૂમિકા રહી હતી.

ઘટનાની વિગત અનુસાર સુભાષિની એમ. નામની એક મહિલાએ X (ટ્વિટર) પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસને ટૅગ કરીને જાણકારી આપી હતી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત પાંચ યુવાનો રસ્તો ભૂલી ગયા છે અને ફસાઈ ગયા છે. ગુજરાત પોલીસને આ બાબત ટેગ થતાની સાથે જ GP-SMASH ટીમના શિફ્ટ ઇન્ચાર્જ પીએસઆઇ એસ.જી.ચૌહાણે આ બાબતે લોકેશન સહિત તમામ વિગત મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા નર્મદા પોલીસને કોમેન્ટ કરી જરૂરી સૂચના આપી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ બાબત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ધ્યાને X મારફતે આવતા તેઓએ ત્વરિત સંવેદનશીલતા દાખવી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે જ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ તરત જ નર્મદા જિલ્લા પોલીસ વડાએ આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા અને સ્થાનિક પોલીસ તથા ફોરેસ્ટ ટીમની મદદથી તમામ યુવાનોને રેસ્ક્યુ કરવા આદેશ આપ્યો હતો.

બનાવની વિગત એવી હતી કે વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીના પાંચ યુવા વિદ્યાર્થીઓ સવારે આશરે 10:30 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ ઝરવાણી વોટરફોલની ટિકિટ લઈને ઝરવાણી ગામના ભાંગરા ફળિયા ખાતે પોતાની બાઇકો મૂકીને ટૂંગાઇ હિલ સ્ટેશન ચડવાની શરૂઆત કરી હતી. બપોરે 2:30 વાગ્યાની આસપાસ તેઓ હિલ સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ પરત ફરતી વખતે ભૂલા પડી ગયા હતા.

સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની મદદથી આશરે 4:30 વાગ્યાની આસપાસ તમામ પાંચ યુવાનોને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા યુવાનોમાં (1) હિતેશ સુરેશ પેનમુસુ (ઉં.વ. 22), (2) હિમતેજ વારા પ્રસાદ વાલ સ્વામી, (3) વિકીયાત નાગેશ્વર રાવ ચીલીયાલા (ઉં.વ. 21), (4) લિખિત ચેતન્ય મેકા (ઉં.વ. 22) અને (5) સુશીલ રમેશભાઈ ભંડારુ (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે, જે તમામ વડોદરાના માધવપુરા વિસ્તારમાં રહે છે.

રેસ્ક્યુ કરાયેલા વિદ્યાર્થીઓએ ગુજરાત પોલીસ અને મદદ કરનાર સ્થાનિક માણસોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હાલમાં સહી સલામત છે. આ બાબતની પોસ્ટ મૂકનાર મહિલાએ પણ ગુજરાત પોલીસ સહિત સમગ્ર ટીમનો આભાર માન્યો છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસની GP-SMASH ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કટોકટીના સમયમાં નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!